
ભાવનગર, 31 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા નાથાભાઈ નોંધાભાઈ ચાવડા શિક્ષણની સાથે સેવાકાર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. જરૂરિયાતમંદ બાળકોના શૈક્ષણિક, સામાજિક અને સર્વાંગી વિકાસ માટે તેઓ સતત સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.
નાથાભાઈ ચાવડા શેત્રુંજય યુવક મંડળ, પ્રાર્થના પરિવાર ભાવનગર, નમો કાર ફાઉન્ડેશન અને રાહી ફાઉન્ડેશન જેવી સંસ્થાઓના સહયોગથી વિવિધ સેવાકીય કાર્યો કરી રહ્યા છે. તેમના દ્વારા દર વર્ષે શેત્રુંજય યુવક મંડળના સહયોગથી 20 હજારથી વધુ નોટબુકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. આ પહેલથી જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસ માટે જરૂરી સામગ્રી મળી રહે છે.
આ ઉપરાંત આશરે 10 લાખ રૂપિયાના ખર્ચે ચાર શાળાઓમાં ભજન અને ભોજન ખંડનું નિર્માણ કરાવવામાં આવ્યું છે. શાળાઓમાં પાણીના પરબ સહિતની જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં પણ તેમણે યોગદાન આપ્યું છે.
બાળકોના આરોગ્ય અને પોષણને ધ્યાનમાં રાખીને પોતાના ખર્ચે તથા પ્રાર્થના પરિવારના સહયોગથી દર મહિને 350થી વધુ બાળકોને મહિનામાં બે વખત ફળોનું વિતરણ કરવામાં આવે છે.
નાથાભાઈ દર રવિવારે બે કલાક અને શનિવારે એક કલાકનો સમય સેવાકીય પ્રવૃત્તિઓ માટે ફાળવે છે. આ ઉપરાંત યુવા સંસ્કાર શિબિરો દ્વારા નવી પેઢીમાં સંસ્કાર અને સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવાના પ્રયાસો પણ કરે છે.
શિક્ષણને માત્ર નોકરી નહીં, પરંતુ સમાજસેવાનું માધ્યમ બનાવનાર નાથાભાઈ ચાવડાની આ પ્રવૃત્તિઓ અનેક લોકો માટે પ્રેરણારૂપ બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA