
જામનગર, 04 ઓક્ટોબર (હિ.સ.) :
ગુજરાતમાં નોંધાયેલી ગૌશાળા અને પાંજરાપોળ સંસ્થાઓ માટે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'ના બીજા તબક્કાની નિભાવ સહાય મેળવવા ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી સંસ્થાઓ આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ સુધી અરજી કરી શકશે.
આ યોજના હેઠળ ગાય અને ભેંસ વર્ગના પશુઓના નિભાવ માટે જુલાઈ-૨૦૨૬ થી સપ્ટેમ્બર-૨૦૨૬ ના બીજા તબક્કાની સહાય પૂરી પાડવામાં આવશે. યોજના સંબંધિત નિયમો અને શરતોની વિગતવાર માહિતી gauseva.gujarat.gov.in વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઈ છે. સહાય મેળવવા ઈચ્છુક સંસ્થાઓએ ૧ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર દરમિયાન ikhedut 2.0 પોર્ટલ પર ફરજિયાત ઓનલાઈન અરજી નોંધાવવાની રહેશે.
અરજી સુચારુ રીતે સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ-આઉટ મેળવવી જરૂરી છે. ડ્રાફ્ટ અથવા પેન્ડિંગ રહેલી અરજીની પ્રિન્ટ નીકળશે નહીં અને આવી અધૂરી અરજીઓને અમાન્ય ગણવામાં આવશે. નિર્ધારિત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી ન કરનાર સંસ્થાઓ તે તબક્કાની નાણાકીય સહાય માટે પાત્ર ઠરશે નહીં.
ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અરજીની પ્રિન્ટ સાથે જરૂરી તમામ પુરાવા અને સાધનિક કાગળો જોડીને ૨૧ દિવસમાં જિલ્લા પંચાયતની નાયબ પશુપાલન નિયામકની કચેરી ખાતે જમા કરાવવાના રહેશે. નિયત સમયમાં જરૂરી બિડાણો સાથે રજૂ ન થનારી અરજીઓ રદબાતલ ગણાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt