


- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 25 વર્ષની જનસેવા અને વિકાસયાત્રાની ઝાંખી કરાવતું વિશેષ મલ્ટિમીડિયા પ્રદર્શન
અમદાવાદ, 04 ઓક્ટોબર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પં. દીનદયાળ ઑડિટોરિયમ ખાતે માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આયોજિત ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ વિષયક વિશેષ મલ્ટિમીડિયા પ્રદર્શનની મુલાકાત લીધી હતી.
આ પ્રદર્શનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગુજરાતથી શરૂ થયેલી 25 વર્ષની જનસેવા, નેતૃત્વ અને વિકાસયાત્રાની ઝાંખી વિવિધ પેનલ, પોસ્ટર્સ અને દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિઓના માધ્યમથી રજૂ કરવામાં આવી છે, જેને મુખ્યમંત્રીશ્રીએ નિહાળી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રદર્શનની મુલાકાતે આવેલાં નાગરિકો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે વિવિધ લોકલક્ષી યોજનાઓના માધ્યમથી તમામ નાગરિકોના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જનસેવા, સાધના અને સુશાસનનાં 25 વર્ષના ઉપક્રમે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમો અને આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત, રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા નરેન્દ્રભાઈ મોદીની આ વિકાસયાત્રાની ઝાંખી આ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ પ્રદર્શનના વિવિધ વિભાગોની મુલાકાત લઈ રજૂ કરવામાં આવેલી વિકાસલક્ષી કામગીરીની માહિતી મેળવી હતી તેમજ સમગ્ર આયોજનની સરાહના કરી હતી.
આ પ્રદર્શનમાં ગુજરાતના કૃષિ-પશુપાલન, શિક્ષણ, ઉદ્યોગ, બંદરો, ઊર્જા, જળશક્તિ, મહિલા સશક્તીકરણ અને સામાજિક વિકાસ સહિતના ક્ષેત્રોમાં થયેલી કામગીરીની ઝાંખી પણ પ્રદર્શિત કરવામાં આવી છે.
આ ઉપરાંત, કૃષિ મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, જ્યોતિગ્રામ યોજના, ઈ-મમતા, મિશન મંગલમ, જ્ઞાનશક્તિ, પાણીદાર આયોજન, ખેલ મહાકુંભ, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, પશુ આરોગ્ય મેળા, સમરસ છાત્રાલય યોજના સહિત શ્રી નરેન્દ્રભાઈ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરવામાં આવેલી વિવિધ વિકાસલક્ષી પહેલોની માહિતી પણ રજૂ કરવામાં આવી છે.
વડાપ્રધાનની 25 વર્ષની વિકાસયાત્રા સાથે સંકળાયેલી કામગીરી અંગે મુલાકાતીઓ માટે ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
પં. દીનદયાળ ઑડિટોરિયમ ખાતેનું આ પ્રદર્શન તા. ૫ ઑક્ટોબર સુધી સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. જેની મુલાકાત નાગરિકો લઈ શકશે.
આ પ્રસંગે મેયર હિતેશભાઈ બારોટ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, અધિક માહિતી નિયામક ડૉ. સંજય કચોટ, અગ્રણીઓ તથા અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરી તેમજ અમ્યુકોના અધિકારીઓ અને મુલાકાતીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ