
જામનગર, 04 ઓક્ટોબર (હિ.સ.) :
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલ મહીડી વીડીની મુલાકાત લઈને વન વિભાગ દ્વારા હાથ ધરાયેલી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે મહીડી વીડી વિસ્તારની સમગ્ર સ્થિતિ, ઘાસના ઉત્પાદન, વિવિધ જાતો તેમજ સંગ્રહ વ્યવસ્થા અંગે વન વિભાગના અધિકારીઓ પાસેથી સ્થળ પર જ વિગતવાર માહિતી મેળવી હતી.
૪૯૫ હેક્ટર ક્ષેત્રફળમાં ફેલાયેલી મહીડી વીડીની મુલાકાત દરમિયાન મંત્રીએ ઉપલબ્ધ ઘાસના પ્રકારો, ઉત્પાદનનું પ્રમાણ, ગુણવત્તા અને તેની સ્થાનિક ઉપયોગિતા અંગે સમીક્ષા કરી હતી. મહીડી વીડી જેવા વિસ્તારો પશુધન માટે ઘાસની જરૂરિયાત પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ કુદરતી સંસાધનોનું યોગ્ય સંચાલન થાય તે માટે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
અધિકારીઓ સાથેની બેઠકમાં ઘાસના ઉત્પાદનને વધુ સુવ્યવસ્થિત કરવા અને જરૂરિયાતના સમયે તેનો યોગ્ય ઉપયોગ થઈ શકે તે માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી સંગ્રહ કરવા પર ભાર મુકાયો હતો. ઘાસની ઉપલબ્ધતા, સંગ્રહ પદ્ધતિઓ અને જાળવણી સંબંધિત જરૂરી બાબતો અંગે મંત્રીએ વન વિભાગને ક્ષેત્રીય માર્ગદર્શન આપ્યું હતું.
આ મુલાકાત દરમિયાન કુદરતી સંસાધનોના સંરક્ષણ અને ઘાસના સંવર્ધન માટે વન વિભાગ દ્વારા કરવામાં આવતા પ્રયાસોની આંકડાકીય અને વહીવટી વિગતો મેળવવામાં આવી હતી. આ પ્રસંગે જૂનાગઢ વર્તુળના વનસંરક્ષક મોહનરામ, નાયબ વન સંરક્ષક રાધિકા પરસાણા તેમજ વન વિભાગના અન્ય અધિકારીઓ અને સ્થાનિક પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt