
ભાવનગર, 04 ઓક્ટોબર (હિ.સ.)કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંભણીયાના માર્ગદર્શન અને પ્રયાસોથી ભાવનગર અને બોટાદ જિલ્લાના નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે માટે ૨૧ સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (CHC) અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) ખાતે હેલ્થ કીઓસ્ક મશીન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ના CSR પ્રોજેક્ટ અંતર્ગત આ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભાવનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નીમુબેન બાંભણીયાના હસ્તે હેલ્થ કીઓસ્ક મશીનો અર્પણ કરવામાં આવ્યા હતા. આ મશીનો CHC અને PHC ખાતે કાર્યરત કરાયા બાદ સારવાર માટે આવતા નાગરિકોને પ્રાથમિક આરોગ્ય તપાસમાં સરળતા રહેશે.
હેલ્થ કીઓસ્ક મશીનની મદદથી ૬૦થી વધુ પ્રકારના આરોગ્ય સંબંધિત ટેસ્ટ કરી શકાશે. જેના કારણે સામાન્ય આરોગ્ય તપાસ માટે નાગરિકોને વધુ સુવિધા મળશે અને જરૂરી તપાસની પ્રક્રિયા ઝડપી બનશે. ખાસ કરીને ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોમાં આવેલી આરોગ્ય સંસ્થાઓમાં આ સુવિધા નાગરિકો માટે ઉપયોગી સાબિત થશે.
કાર્યક્રમમાં IOCL ગુજરાત સ્ટેટ ઓફિસના જનરલ મેનેજર-એચ.આર. ડો. શૈલેન્દ્રસિંહ જાડેજા, દેવ ફાઉન્ડેશનના પ્રમુખ નિલેષ પંડ્યા સહિત ભાવનગર અને બોટાદ જિલ્લાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પહેલથી બંને જિલ્લાના વિવિધ CHC અને PHC ખાતે આરોગ્ય તપાસની સુવિધાઓ વધુ સુદૃઢ બનશે અને નાગરિકોને સ્થાનિક સ્તરે જ વિવિધ ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA