
ભાવનગર, 04 ઓક્ટોબર (હિ.સ.) સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ ખેતપેદાશ વેચાણ કેન્દ્રોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ ભાવનગર જિલ્લાના વિવિધ સ્થળોએ નિહાળવામાં આવ્યું હતું.
રાજ્યવ્યાપી ઝુંબેશ અંતર્ગત ભાવનગર જિલ્લામાં શહેર અને તાલુકા કક્ષાએ કુલ નવ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. ભાવનગર શહેરમાં અમૃતબજાર, રિલાયન્સ મોલ સામે જોગર્સ પાર્ક પાસે, એમ.કે. ભાવનગર યુનિવર્સિટીના મેઇન ગેટ પાસે તેમજ ડી-માર્ટના દરવાજા પાસે, ટોપ થ્રી સિનેમા નજીક વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ કરાયું હતું.
આ ઉપરાંત સિહોર, વલ્લભીપુર, ગારિયાધાર, પાલિતાણા, તળાજા અને મહુવામાં પણ પ્રાકૃતિક કૃષિ ખેતપેદાશ વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. વિવિધ સ્થળોએ સ્થાનિક પદાધિકારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
આ વેચાણ કેન્દ્રોના પ્રારંભથી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત રસાયણમુક્ત અને શુદ્ધ ખેતપેદાશોનું સીધું ગ્રાહકોને વેચાણ કરી શકાશે. આથી શહેરી અને ગ્રામ્ય લોકોને શુદ્ધ તથા સાત્વિક પ્રાકૃતિક ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ થશે. સાથે જ ખેડૂતોને તેમની ખેતપેદાશોના યોગ્ય અને સારા ભાવ મેળવવામાં પણ લાભ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA