
જામનગર, 04 ઓક્ટોબર (હિ.સ.) :
જામનગર જિલ્લાના પ્રભારી અને વન તથા પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં જામજોધપુર તાલુકા સેવા સદન ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જનપ્રતિનિધિઓની રજૂઆતોને પ્રાથમિકતા આપી ત્વરિત અને હકારાત્મક ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગીય અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન તાલુકાના વિવિધ વિકાસલક્ષી અને જનહિતલક્ષી પ્રશ્નો અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી. ખાસ કરીને વરસાદની સ્થિતિ, આધારકાર્ડ કીટ, પશુઓ માટે ઘાસના વિતરણની કામગીરી તેમજ વન વિભાગને લગતા વિવિધ મુદ્દાઓ પર જનપ્રતિનિધિઓએ કરેલી રજૂઆતો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
અર્જુન મોઢવાડિયાએ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખીને હકારાત્મક અને સંકલિત અભિગમ સાથે કામ કરવા સૂચના આપી હતી. તંત્રનો મુખ્ય ઉદ્દેશ પ્રજાને સમયસર અને અસરકારક સેવાઓ પૂરી પાડવાનો હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું કે, જનપ્રતિનિધિઓના પ્રશ્નો પ્રજાની વાસ્તવિક જરૂરિયાતો સાથે જોડાયેલા હોવાથી વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જાળવીને
સમયસર કામગીરી થવી જરૂરી છે.
આ બેઠકમાં લાલપુર પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, જામજોધપુર પ્રાંત અધિકારી વાય.એન.બારડ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પરેશ હીરપરા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, સ્થાનિક આગેવાનો અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt