
પાટણ, 04 ઓક્ટોબર (હિ.સ.)સિદ્ધપુરના રાજપુર વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી લોકોને ડરાવી રહેલો કપિરાજ, આખરે વન વિભાગના હાથે પકડાઈ ગયો છે. આ કપિરાજે અત્યાર સુધીમાં આશરે 15 લોકોને ઇજા પહોંચાડી હોવાની માહિતી સામે આવી હતી. તેના કારણે રાજપુર વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળતો હતો. કપિરાજને પકડવા માટે પાટણ વિસ્તરણ રેન્જ, સિદ્ધપુર દ્વારા સતત રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. લાંબા સમયથી ચાલતી આ કામગીરીને અંતે સફળતા મળી છે.
નાયબ વન સંરક્ષક એન.જે. પરમાર, પાટણના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર બી.એ. સિંધવે અલગ-અલગ ટીમો બનાવી કપિરાજને પકડવા માટે આયોજનબદ્ધ કામગીરી કરી હતી. વન વિભાગ પાટણ, બનાસકાંઠા તેમજ બોડકદેવ અમદાવાદના વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની ટીમોએ સંયુક્ત રીતે દિવસ-રાત મહેનત કરી હતી. કપિરાજને પકડવા માટે વિસ્તારમાં સતત નજર રાખવામાં આવી હતી.
લાંબી મહેનત અને સતત રેસ્ક્યુ કામગીરી બાદ આખરે કપિરાજ પાંજરે પુરાયો હતો. વન વિભાગની ટીમે તેને સુરક્ષિત રીતે કબજામાં લઈ બોડકદેવ અમદાવાદના વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરમાં મોકલી આપ્યો છે. કપિરાજ પકડાતા રાજપુર વિસ્તારના લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે અને છેલ્લા એક મહિનાથી રહેલો ભય પણ દૂર થયો છે. સ્થાનિક લોકોએ વન વિભાગની કામગીરીથી રાહત અનુભવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ