
પાટણ, 04 ઓક્ટોબર (હિ.સ.)પાટણ સીટી ‘બી’ ડિવિઝન પોલીસે છેતરપિંડીના ગુનામાં છેલ્લા 8 માસથી ફરાર આરોપી મહાવિરસિંહ બાબુજી ચતુરજી ઝાલા (ઉંમર 40)ને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, આરોપી પાટણના પદમનાથ ચાર રસ્તા પાસે હાજર છે. જેના આધારે પોલીસે સ્થળ પર કાર્યવાહી કરી તેને ઝડપી લીધો હતો. આરોપી મૂળ શંખેશ્વર તાલુકાના મોટી ચંદુર ગામનો રહેવાસી છે અને હાલ પાટણના માધવનગર વિસ્તારમાં મકાન નંબર 120માં રહેતો હોવાનું સામે આવ્યું છે.
આરોપી મહાવિરસિંહ ઝાલા સામે આણંદ જિલ્લાના સોજીત્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં કાર્યવાહી ચાલી રહી હતી. સોજીત્રા પોલીસ સ્ટેશનના ગુના નંબર 11215025260001/2026માં IPC કલમ 420 અને 114 હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તે છેલ્લા 8 માસથી વોન્ટેડ હોવાથી પાટણ સીટી ‘બી’ ડિવિઝન પોલીસે નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ દરમિયાન તેની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. મહાવિરસિંહ ઝાલા મોરબીના માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં પણ વોન્ટેડ હતો. ઉપરાંત, શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં લૂંટના IPC કલમ 395 હેઠળનો ગુનો તથા ધ્રાંગધ્રા અને સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનાઓ પણ તેની સામે નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ