રાજકોટ એસટી વિભાગ દ્વારા નવી બસો શરૂ કરાઈ: નાથદ્વારા રુટ બંધ
રાજકોટ, 04 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ એસટી વિભાગ દ્વારા તહેવારોની મોસમ પૂર્વે મુસાફરોની સુવિધા માટે ગાંધીનગર, અમદાવાદના કૃષ્ણનગર અને રાજુલા રૂટ પર નવી વોલ્વો તથા એસી લક્ઝરી બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ નવી બસો શરૂ થવાથી દૈનિક અંદાજે ૨૮૦ મુસાફરોને
રાજકોટ બસ પોર્ટ


રાજકોટ, 04 ઓક્ટોબર (હિ.સ.) :

રાજકોટ એસટી વિભાગ દ્વારા તહેવારોની મોસમ પૂર્વે મુસાફરોની સુવિધા માટે ગાંધીનગર, અમદાવાદના કૃષ્ણનગર અને રાજુલા રૂટ પર નવી વોલ્વો તથા એસી લક્ઝરી બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ નવી બસો શરૂ થવાથી દૈનિક અંદાજે ૨૮૦ મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત પ્રવાસનો લાભ મળશે. બીજી તરફ, પર્યાપ્ત મુસાફરો ન મળવાને કારણે રાજકોટથી વાયા ઉદયપુર થઈ નાથદ્વારા જતી એસટી બસ સેવા બંધ કરી દેવામાં આવી છે.

આગામી નવરાત્રિ અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટ એસટી ડિપાર્ટમેન્ટને ૩ નવી બસોની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટથી ગાંધીનગર અને કૃષ્ણનગર માટે નવી વોલ્વો બસ દોડાવવામાં આવશે, જેમાં પ્રત્યેક બસમાં ૪૭ સીટોની ક્ષમતા છે. જ્યારે રાજુલા રૂટ માટે ૪૬ સીટની ક્ષમતા ધરાવતી નવી એસી લક્ઝરી બસ મુકવામાં આવી છે. આ બસો ચાલુ થવાથી રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના મુસાફરોને ઝડપી અને સુવિધાજનક પ્રવાસ મળશે.

નવા રુટના ભાડાના દર પણ નક્કી કરવામાં આવ્યા છે. રાજકોટથી ગાંધીનગરની વોલ્વો બસનું ભાડું રૂ. ૬૮૫, કૃષ્ણનગરનું ભાડું રૂ. ૬૪૦ અને રાજુલા જવા માટેની એસી લક્ઝરી બસનું ભાડું રૂ. ૩૬૧ રાખવામાં આવ્યું છે. હાલ રાજકોટથી ગાંધીનગર જવા માટે દરરોજ ૫ વોલ્વો બસો દોડી રહી છે, જે સવારે ૫:૦૦, ૫:૩૦, સાંજે ૪:૨૦ તેમજ રાત્રે ૧૧:૪૦ અને ૧:૪૫ વાગ્યે ઉપડે છે. કૃષ્ણનગર અને રાજુલા માટે પ્રથમ વખત આવી પ્રીમિયમ બસ સેવા શરૂ થઈ છે.

નવી બસોના સમયપત્રક મુજબ, રાજકોટથી ગાંધીનગર જતી બસ બપોરે ૧૪:૩૦ વાગ્યે ઉપડશે અને ગાંધીનગરથી પરત રાજકોટ માટે સવારે ૫:૩૦ વાગ્યે રવાના થશે. રાજકોટ-કૃષ્ણનગર બસ સાંજે ૧૬:૦૦ વાગ્યે ઉપડશે અને કૃષ્ણનગરથી સવારે ૭:૪૫ વાગ્યે રાજકોટ માટે ઉપડશે. આ ઉપરાંત, રાજકોટ-રાજુલા બસ બપોરે ૧૨:૦૦ વાગ્યે રવાના થશે અને રાજુલાથી સવારે ૫:૩૦ વાગ્યે પરત રાજકોટ આવશે.

એસટી નિગમ દ્વારા એક તરફ મુસાફરોની માંગ ધરાવતા રૂટો પર નવી સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે, તો બીજી તરફ ખોટ કરતા રૂટો બંધ કરવામાં આવી રહ્યા છે. રાજકોટથી વાયા ઉદયપુર થઈને નાથદ્વારા જતી આંતર-રાજ્ય બસમાં લાંબા સમયથી મુસાફરોની સંખ્યા ઓછી રહેતી હોવાથી તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ, ડિપાર્ટમેન્ટ દ્વારા બસ સેવાનું સંચાલન વધુ વ્યવહારુ બનાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande