રાજકોટ-ગોવા ડાયરેક્ટ ફ્લાઇટ 25 ઓક્ટોબરથી પુનઃ શરૂ: વિન્ટર શેડ્યૂલમાં સૌરાષ્ટ્રવાસીઓને મળશે સીધી હવાઈ સેવાનો લાભ
રાજકોટ, 04 ઓક્ટોબર (હિ.સ.) : ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા મોનસૂન શેડ્યૂલ દરમિયાન છ મહિનાથી બંધ કરાયેલી રાજકોટ-ગોવા ડાયરેક્ટ ફ્લાઇટ સેવા 25 ઓક્ટોબરથી ફરી શરૂ કરવામાં આવી રહી છે. વિન્ટર શેડ્યૂલ અંતર્ગત 25 ઓક્ટોબર, 2026થી 27 માર્ચ, 2027 સુધી શરૂ થનારી આ ફ્
ફ્લાઈટ


રાજકોટ, 04 ઓક્ટોબર (હિ.સ.) : ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા મોનસૂન શેડ્યૂલ દરમિયાન છ મહિનાથી બંધ કરાયેલી રાજકોટ-ગોવા ડાયરેક્ટ ફ્લાઇટ સેવા 25 ઓક્ટોબરથી ફરી શરૂ કરવામાં આવી રહી છે. વિન્ટર શેડ્યૂલ અંતર્ગત 25 ઓક્ટોબર, 2026થી 27 માર્ચ, 2027 સુધી શરૂ થનારી આ ફ્લાઇટ સપ્તાહમાં ચાર દિવસ ઉડાન ભરશે. નવરાત્રિ અને દિવાળીના તહેવારો ટાણે જ આ હવાઈ સેવા પુનઃ શરૂ થતાં ગોવા પ્રવાસે જવા ઈચ્છતા સૌરાષ્ટ્રના મુસાફરો અને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અગાઉ માર્ચ 2026માં ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા ગોવાથી સંચાલિત આશરે 25 જેટલી ઉડાનોના શેડ્યૂલમાં ફેરફાર કરાયા હતા. આ રૂટ રિવિઝનના ભાગરૂપે રાજકોટ-ગોવા સેવા પણ છ મહિના માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. અગાઉ પણ રાજકોટથી ગોવા રૂટ પર નિયમિત ધોરણે હવાઈ સેવા કાર્યરત હતી, જેને હવે આગામી પ્રવાસન સીઝનને ધ્યાન રાખીને ફરીથી પૂર્વવત કરવાનો નિર્ણય લેવાયો છે.

હાલમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિવિધ એરલાઈન્સની કુલ 14 ફ્લાઈટ્સ કાર્યરત છે. તેમાં મુંબઈ, દિલ્હી, નવી મુંબઈ, બેંગ્લોર, પુણે અને હૈદરાબાદ જેવા દેશના મુખ્ય શહેરો માટે સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ છે. મોટાભાગના રૂટ પર દરરોજ દૈનિક ફ્લાઇટ્સ ઉડાન ભરે છે, જ્યારે પુણે માટે સપ્તાહમાં ચાર દિવસ (મંગળ, બુધ, ગુરુ અને રવિવાર) સેવા પૂરી પાડવામાં આવે છે.

સૌરાષ્ટ્રના કેન્દ્રસમા રાજકોટથી દેશના પ્રમુખ શહેરો તરફનું હવાઈ નેટવર્ક સતત મજબૂત થઈ રહ્યું છે. સવારે 7.55 વાગ્યાની પ્રથમ દિલ્હી ફ્લાઇટથી લઈને રાત્રે 20.10 વાગ્યાની હૈદરાબાદ ફ્લાઇટ સુધી આખો દિવસ વિમાની અવરજવર રહે છે. આ લિસ્ટમાં હવે ગોવાની ડાયરેક્ટ ફ્લાઇટ ઉમેરાતાં પ્રવાસીઓ માટે દેશના લોકપ્રિય ટુરિસ્ટ ડેસ્ટિનેશન સુધી પહોંચવું વધુ આસાન અને સમય બચાવનારું બનશે.

આગામી તહેવારોની સીઝન અને શિયાળુ વેકેશન દરમિયાન સૌરાષ્ટ્રમાંથી ગોવા જતા સહેલાણીઓની સંખ્યા નોંધપાત્ર રહે છે. ડાયરેક્ટ વિમાની સેવાને કારણે મુસાફરીનો સમય ઘટશે અને મુંબઈ કે અન્ય એરપોર્ટ પરથી કનેક્ટિંગ ફ્લાઇટ લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આમ, 25 ઓક્ટોબરથી શરૂ થનારી રાજકોટ-ગોવા ફ્લાઇટ સૌરાષ્ટ્રના પ્રવાસન ક્ષેત્ર અને વેપાર-રોજગાર માટે પણ ફાયદાકારક સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande