
ભાવનગર,06 ઓક્ટોબર (હિ.સ.) “સ્વચ્છતા હી સેવા-2026 ”, “સ્વચ્છ ગુજરાત 100 દિવસ” તથા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત ભાવનગર શહેરમાં સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
શહેરના વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા તપાસ અને ચેકિંગ હાથ ધરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ કે સંગ્રહ કરતા વેપારીઓ તથા ધંધાર્થીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ અને અન્ય પ્લાસ્ટિક સામગ્રીનો ઉપયોગ ન કરવા અંગે વેપારીઓ તથા નાગરિકોને સમજ આપવામાં આવી હતી.
મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવાના હેતુથી નિયમિત રીતે આવા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને થતું નુકસાન, ગંદકીમાં વધારો તેમજ ગટર અને નિકાલ વ્યવસ્થામાં ઊભી થતી સમસ્યાઓ અંગે પણ નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
મહાનગરપાલિકાએ નાગરિકો અને વેપારીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તથા તેના બદલે કાપડની થેલી જેવા પર્યાવરણમિત્ર વિકલ્પો અપનાવવા અપીલ કરી હતી. સ્વચ્છ અને સ્વસ્થ ભાવનગરના નિર્માણ માટે સૌના સહયોગની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA