


- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહીને માનવ રંગોળીમાં સહભાગી થયેલા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો
- વિદ્યાર્થીઓએ ઇન્દ્રધનુષી રંગોમાં એકસાથે જોડાઈને ભારત દેશની આકર્ષક માનવ રંગોળી રચી
- મા અંબાના ગરબા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિ રસમાં તરબોળ બન્યું
અમદાવાદ,06 ઓકટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણનાં ૨૫ ગૌરવપૂર્ણ વર્ષ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવાના રંગો, રાષ્ટ્રના સંગ’ સંદેશ સાથે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ભવ્ય માનવ આકૃતિ (રંગોળી)ના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરની વિવિધ શાળા કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓના અંદાજે સાડા છ હજાર છાત્રો સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનવ રંગોળીમાં સહભાગી થયેલા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
તેમણે રંગોળીનું નિરીક્ષણ પણ કર્યું હતું.વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, શિસ્ત અને સામૂહિક ભાગીદારીને બિરદાવતાં તેમણે આ અનોખી પ્રવૃત્તિ દ્વારા આપવામાં આવેલા ‘સેવાના રંગ, રાષ્ટ્રને સંગ’ના સંદેશને બિરદાવ્યો હતો.
માનવ આકૃતિમાં ભાગ લેનાર પ્રતિનિધિઓને મુખ્યમંત્રીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.
આ અનોખી માનવ રંગોળીમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વિદ્યાર્થીઓએ ઓરેન્જ, યેલો, રેડ, પર્પલ, ગ્રીન, બ્લ્યૂ અને વ્હાઇટ સહિતના સપ્તરંગોના સમૂહમાં એકસાથે જોડાઈ ભારત દેશની આકર્ષક માનવ રંગોળી રચી હતી.
વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓની સામૂહિક ભાગીદારી અને રંગોની સુંદર ગોઠવણીથી સમગ્ર કાર્યક્રમ સ્થળ રાષ્ટ્રભાવનાના રંગોથી રંગાઈ ગયું હતું.મા અંબાના ગરબા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિ રસમાં તરબોળ બન્યું હતું.
આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શના વાઘેલા, મેયર હિતેશ બારોટ, સાંસદ દિનેશ મકવાણા અને હસમુખ પટેલ, ધારાસભ્યો સર્વે અમિત ઠાકર, દિનેશસિંહ કુશવાહ, જીતુ પટેલ, હર્ષદ પટેલ, અમૂલ ભટ્ટ, ડૉ. હસમુખ પટેલ, કૌશિક જૈન, કંચન રાદડિયા, ડેપ્યુટી મેયર અંજુ શાહ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિત અધિકારીઓ, અગ્રણીઓ, વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ