
એડિલેડ, નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.). ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં શાનદાર પ્રદર્શન કરનાર ઓસ્ટ્રેલિયાના યુવા ઝડપી બોલર મહલી બિયર્ડમેન, રવિવાર (15 નવેમ્બર) બપોરે યોજાનારી બીજી વન-ડેમાં નહીં રમે. ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટ તેમના કાર્યભારને નિયંત્રિત રાખવા માટે સાવચેતી રાખી રહ્યું છે. બિયર્ડમેને શુક્રવારે પર્થમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં છ વિકેટ ઝડપીને ઇતિહાસ રચ્યો હતો. તેમણે 24 રન આપીને છ વિકેટ મેળવી હતી, જે વન-ડે પદાર્પણ પર કોઈપણ ઓસ્ટ્રેલિયન બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેમની શાનદાર બોલિંગને પ્રતાપે ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટથી જીત નોંધાવી હતી.
21 વર્ષીય બિયર્ડમેનને પીઠની ઇજાઓનો જૂનો ઇતિહાસ રહ્યો છે. તાજેતરમાં ટી20 આંતરરાષ્ટ્રીય પદાર્પણ બાદ સ્ટ્રેસ ફ્રેક્ચર ફરીથી ઉભરવાને કારણે તેઓ સાત મહિના સુધી મેદાનથી બહાર રહ્યા હતા. આ જ કારણે ઓસ્ટ્રેલિયા તેમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેમના કાર્યભાર અંગે વધારાની સતર્કતા દાખવી રહ્યું છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જણાવ્યા અનુસાર, બિયર્ડમેન તાજેતરની ઇજાઓ બાદ પોતાની શારીરિક ક્ષમતાને ધીરે-ધીરે વધારી રહ્યા છે. તેઓ બુધવારે હોબાર્ટમાં યોજાનારી ત્રીજી વન-ડે માટે અંતિમ અગિયારમાં વાપસી કરશે.
આ દરમિયાન, તાસ્માનિયાના ઝડપી બોલર નાથન એલિસ ઇજાના કારણે ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. તેઓ હજુ સુધી સાઇડ સ્ટ્રેનની ઇજામાંથી સંપૂર્ણપણે સાજા થયા નથી. એલિસને સપ્ટેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાની 1-2 થી વન-ડે શ્રેણીમાં હાર દરમિયાન ડાબી બાજુએ ઇજા થઈ હતી. આના કારણે તેઓ પોચેફસ્ટ્રુમમાં શ્રેણીની અંતિમ મેચ પણ રમી શક્યા નહોતા.
એલિસની જગ્યાએ ડાબા હાથના ઝડપી બોલર બેન ડ્વારશુઇસને ઓસ્ટ્રેલિયાની ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમની પાસે જૂનમાં બાંગ્લાદેશ સામેની વન-ડે શ્રેણી બાદ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ રમવાની તક હશે. પાંચ મેચોની ટી20 શ્રેણી શનિવારથી મેલબોર્નમાં શરૂ થશે.
રાઈલી મેરેડિથ પણ શ્રેણીની અંતિમ બે વન-ડે મેચો માટે એડિલેડમાં ઓસ્ટ્રેલિયન ટીમ સાથે જોડાઈ ગયા છે. તેમણે ક્વીન્સલેન્ડ સામે શેફિલ્ડ શીલ્ડ મેચના શરૂઆતના ત્રણ દિવસ રમ્યા હતા અને ત્યારબાદ રાષ્ટ્રીય ટીમમાં સામેલ થવા માટે તેમને પાછા બોલાવી લેવામાં આવ્યા. આ મેચમાં તાસ્માનિયા તરફથી રમતા તેમણે ચાર વિકેટ ઝડપી હતી.
બીજી વન-ડેમાં બિયર્ડમેનની જગ્યાએ ઝડપી બોલર રાઈલી મેરેડિથ અને દક્ષિણ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર લિયામ સ્કોટમાંથી કોઈ એકને અંતિમ અગિયારમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ