
- બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખ ધ્રુવિલ પટેલે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરી ‘ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 1949’ હટાવવા સરકારને વિનંતી કરી.
રાજકોટ, 02 નવેમ્બર (હિ.સ.) : રાજકોટની જાણીતી સરાઝા હોટલમાં ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલ અને નિખિલ પટેલ દ્વારા આયોજિત દારૂની પાર્ટી પર પોલીસે દરોડો પાડીને 38 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી આ પાર્ટીમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના અનેક નામી-અનામી લોકો નશાની હાલતમાં ઝડપાયા હતા. આ ઘટના બાદ બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખ અને ક્રેડાઈ ગુજરાતના જોઈન્ટ સેક્રેટરી ધ્રુવિલ પટેલ બચાવમાં આવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ અને વીડિયો મૂકીને સરકાર પાસે દારૂબંધી હટાવવાની માંગ કરી છે.
ધ્રુવિલ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું હતું કે, પ્રિય સરકાર, મહેરબાની કરીને ‘ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 1949’ ને નાબૂદ કરો! ચીયર્સ. આ સાથે જ તેમણે રાજકોટથી એક નવું આંદોલન શરૂ કરવાની વાત કરી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાંથી દારૂબંધીના કાયદાને જડમૂળથી નાબૂદ કરવાનો છે. આ કાયદો રાજ્યમાં આલ્કોહોલયુક્ત પીણાંના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, પરિવહન, ખરીદી અને સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ લાદે છે. તેમણે દારૂબંધી હટાવવા માટે અવાજ ઉઠાવવાની અપીલ કરી હતી.
પોતાના વીડિયો સંદેશમાં ધ્રુવિલ પટેલે જણાવ્યું હતું કે, 21મી સદીમાં દારૂનું સેવન કરવું એ કોઈ ગુનો ન હોવો જોઈએ. અફઘાનિસ્તાન સિવાય ગુજરાત કદાચ એકમાત્ર એવું સ્થળ છે જ્યાં દારૂ ગેરકાયદેસર ગણાય છે. લોકોએ દારૂના સેવનને ખરાબ કે ગુનાહિત માનવાનું બંધ કરવું જોઈએ. દારૂ સાથે પાર્ટી કરવા બદલ લોકોની ધરપકડ કરવી કે તેમની સામે એફઆઈઆર દાખલ કરવી એ પાષાણ યુગ જેવી માનસિકતા દર્શાવે છે. તેમના આ નિવેદનથી સમગ્ર રાજ્યમાં અને વેપારી આલમમાં મોટો વિવાદ ઊભો થયો છે.
બીજી તરફ કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ વ્યવસાય સાથે સંકળાયેલા સાથીદારો પકડાયા બાદ જ આ પ્રકારની માંગણી સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. આજ દિવસ સુધી ધ્રુવિલ પટેલ દ્વારા દારૂબંધી અંગે ક્યારેય કોઈ નિવેદન આપવામાં આવ્યું નહોતું, પરંતુ પોતાના જ સભ્યો દારૂની પાર્ટીમાં ઝડપાતાં તેમણે અચાનક આ સુર આલાપ્યો છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી હટાવવાની આવી જાહેર માંગણી સામે આવતા જ સોશિયલ મીડિયામાં તેમની આકરી ટીકા પણ થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt