
ભાવનગર,02 નવેમ્બર (હિ.સ.) ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના ભાવનગર વિભાગ દ્વારા મુસાફરોને પૂરી પાડવામાં આવતી સેવાઓને ઉત્કૃષ્ટ પ્રતિસાદ મળી રહ્યો છે. વિભાગની સેવાઓની ગુણવત્તા અંગે મુસાફરો દ્વારા આપવામાં આવેલા પ્રતિસાદમાં સરેરાશ 4.7/5નું રેટિંગ પ્રાપ્ત થયું છે. આ પરિણામ મુસાફરોના સંતોષ અને વિભાગની કામગીરીનું સકારાત્મક ચિત્ર રજૂ કરે છે.
જી.એસ.આર.ટી.સી.ના પેસેન્જર ફીડબેક ડેશબોર્ડ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર વિભાગને અત્યાર સુધીમાં કુલ 59,900 પ્રતિસાદ મળ્યા છે. જ્યારે ચાલુ સપ્તાહ દરમિયાન નવા 1,975 પ્રતિસાદ નોંધાયા છે. મુસાફરોએ બસની સુવિધા, સ્વચ્છતા, સમયપાલન અને કર્મચારીઓના વર્તન અંગે સંતોષ વ્યક્ત કર્યો છે.
પ્રતિસાદમાં બસની સફાઈ અને જાળવણીને 4.9/5નું ઊંચું રેટિંગ મળ્યું છે. આ ઉપરાંત બસની નિયમિતતા અને સુરક્ષિત મુસાફરી માટે પણ 4.9/5નું રેટિંગ પ્રાપ્ત થયું છે. મુસાફરો સાથે કર્મચારીઓના સૌજન્યપૂર્ણ અને સહકારભર્યા વર્તનને પણ 4.9/5નું રેટિંગ મળ્યું છે.
ભાવનગર વિભાગીય નિયામક આર.ડી. પિલવાઈકરે જણાવ્યું હતું કે મુસાફરોને વધુ સારી, સુરક્ષિત અને સમયબદ્ધ પરિવહન સેવા પૂરી પાડવા વિભાગ સતત પ્રયત્નશીલ છે. મુસાફરો તરફથી મળતો સકારાત્મક પ્રતિસાદ કર્મચારીઓ માટે પ્રોત્સાહનરૂપ છે.
મુસાફરોની સુવિધા અને સંતોષને પ્રાથમિકતા આપીને ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા સેવાઓની ગુણવત્તામાં સતત સુધારા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA