ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર: સરાઝા હોટલ રેડ મામલે પોલીસ અને સરકાર સામે ગંભીર સવાલો
રાજકોટ, 02 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના કાલાવાડ રોડ સ્થિત સરાઝા હોટલમાં એલસીબી દ્વારા દારૂની મહેફિલ પર થયેલી રેડ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે. કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે આરોપીઓની ઓળખ છુપાવવાના પ્રયાસો, પોલીસ અધિકારીઓના વિરોધાભાસી નિવેદ
રોહિત રાજપૂત


રાજકોટ, 02 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના કાલાવાડ રોડ સ્થિત સરાઝા હોટલમાં એલસીબી દ્વારા દારૂની મહેફિલ પર થયેલી રેડ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે. કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે આરોપીઓની ઓળખ છુપાવવાના પ્રયાસો, પોલીસ અધિકારીઓના વિરોધાભાસી નિવેદનો અને કાયદાના બેવડા ધોરણો સામે ગંભીર સવાલો ઉઠાવીને દારૂબંધીની નીતિ સામે પુનર્વિચાર કરવાની માંગ કરી છે.

રાજકોટના કાલાવાડ રોડ સ્થિત સરાઝા હોટલના બેન્કવેટ હોલમાં એલસીબી દ્વારા દારૂની મહેફિલ પર પાડવામાં આવેલી રેડમાં પોલીસની કામગીરી અને આરોપીઓને આપવામાં આવેલી ટ્રીટમેન્ટ સામે ગંભીર શંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે આક્ષેપ કર્યો છે કે સિવિલ હોસ્પિટલ લઈ જતી વખતે આરોપીઓના મોઢા પર માસ્ક અને ખુરશીનાં કવર પહેરાવીને તેમની ઓળખ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સામાન્ય નાગરિક નાના ગુનામાં પકડાય ત્યારે પોલીસ ઘૂંટણિયે બેસાડીને મીડિયા સમક્ષ પ્રદર્શન કરે છે, પરંતુ વગદાર બિલ્ડરો અને ઉદ્યોગપતિઓના કિસ્સામાં આવો વિશેષ વ્યવહાર કેમ રાખવામાં આવે છે તે મોટો પ્રશ્ન છે. પોલીસ પાસે છુપાવવા જેવું કંઈ ન હોય તો બેન્કવેટ હોલ અને સિવિલ હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ લેવાની પ્રક્રિયાના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં કેમ સંકોચ રાખવામાં આવે છે તે તપાસનો વિષય છે.

આ રેડ દરમિયાન એસીપી કક્ષાના અધિકારીએ શરૂઆતમાં એક પણ દારૂની બોટલ ન મળ્યાનું અને માત્ર ગ્લાસમાં દારૂ હોવાનું જણાવ્યું હતું, જ્યારે બાદમાં ડીસીપી દ્વારા અગિયાર બોટલ મળી હોવાની વિગતો આપવામાં આવી હતી. આશરે સો જેટલા લોકોની હાજરી વચ્ચે માત્ર અગિયાર બોટલનો મુદ્દામાલ દર્શાવવો, મહિલાઓ સામે ફરિયાદ ન નોંધાવી અને મોંઘી ગાડીઓને મુદ્દામાલમાં સામેલ ન કરવી તે તપાસની પારદર્શિતા સામે સવાલો ઊભા કરે છે. પચ્ચીસ લિટરથી વધુ દારૂનો મુદ્દામાલ ન દર્શાવીને આરોપીઓને કાયદાકીય રાહત આપવાનો પ્રયાસ થયો છે કે કેમ તેની નિષ્પક્ષ તપાસ થવી અનિવાર્ય છે. રાજકીય ભલામણોથી અનેક લોકોને સ્થળ પરથી જવા દેવાયા હોવાની ચર્ચાઓ વચ્ચે હોટલનું લાયસન્સ રદ કરીને સંચાલકો સામે કડક કાનૂની પગલાં લેવા જોઈએ.

પોલીસ તંત્ર સામે સવાલ ઉઠાવતા જણાવવામાં આવ્યું છે કે માત્ર પાર્ટી કરતા લોકોને પકડીને વાહવાહી મેળવવાથી દારૂબંધી સફળ થવાની નથી. જો હોટલમાં સોથી વધુ લોકોની હાજરીમાં દારૂની મહેફિલ યોજાઈ શકતી હોય, તો આટલી મોટી માત્રામાં દારૂ ક્યાંથી આવ્યો અને કયા માર્ગે રાજ્યમાં પ્રવેશ્યો તેની તપાસ કેમ થતી નથી? મોટા બુટલેગરો અને સંગઠિત નેટવર્ક સુધી પોલીસ પહોંચવામાં નિષ્ફળ રહી છે. ગેરકાયદેસર વેપારમાં હપ્તાવસૂલી અને સાંઠગાંઠ હોવાની ફરિયાદોની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે, કારણ કે દારૂ પીનારને પકડવો એ કાયદાકીય કાર્યવાહી છે પરંતુ સપ્લાય નેટવર્ક તોડવું એ જ દારૂબંધીની ખરી કસોટી છે.

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી ગઈ હોવાથી છેવાડાના ગામડાં સુધી દેશી અને વિદેશી દારૂ સરળતાથી ઉપલબ્ધ છે. જો સરકાર અસરકારક અમલ ન કરાવી શકતી હોય તો આ નીતિ અંગે ખુલ્લી ચર્ચા કરી પુનર્વિચાર કરવો જોઈએ. અન્ય રાજ્યોની જેમ નિયંત્રિત અને કાયદેસર વેચાણની વ્યવસ્થા ગોઠવીને તેના પર ઊંચી ડ્યૂટી વસૂલવામાં આવે તો રાજ્યની તિજોરીમાં મોટી આવક ઊભી થઈ શકે છે, જેનો ઉપયોગ બાળકોને મફત શિક્ષણ અને ઉત્તમ આરોગ્ય સેવાઓ આપવા માટે થઈ શકે છે. ગેરકાયદેસર દારૂના કારણે બરબાદ થતા પરિવારો અને ઝેરી દારૂના જોખમને ધ્યાનમાં રાખીને સરકારે પોતાની નીતિની અસરકારકતા ચકાસવી જોઈએ.

સરાઝા હોટલની ઘટનામાં પકડાયેલા લોકો પાટીદાર સમાજના હોવાનું સામે આવ્યા બાદ આ મામલાને સમાજ સાથે જોડીને દિશા બદલવાનો પ્રયાસ દુઃખદ છે. કોઈપણ સમાજના યુવાનો કાયદાનું ઉલ્લંઘન કરે ત્યારે તેને સમાજના નામે યોગ્ય ઠેરવવાનો પ્રયાસ અયોગ્ય છે. સામાજિક અગ્રણીઓની જવાબદારી યુવાનોને નશામુક્ત અને કાયદાનું પાલન કરતા રાખવાની છે. આ વિરોધ કોઈ ચોક્કસ સમાજ સામે નહીં પરંતુ કાયદાના અમલમાં થતી અસમાનતા અને વગદારોને મળતી વિશેષ સગવડો સામે છે, જેથી સરકારે સ્પષ્ટ કરવું જોઈએ કે કાયદો બધા માટે સમાન છે કે કેમ?

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande