વાંસદામાં દીપડાનો આતંક: 12 વર્ષની બાળકી પર અચાનક હુમલો, માતાની બહાદુરીથી બચ્યો જીવ
નવસારી, 24 નવેમ્બર (હિ.સ.) નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેળકચ્છ ગામમાં દીપડાના હુમલાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાંજના સમયે ઘરની બહાર નાહી રહેલી 12 વર્ષની બાળકી પર નજીકની ઝાડીમાંથી આવેલા દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. દીકરીને દીપડ
Leopard Terror in Vansda


નવસારી, 24 નવેમ્બર (હિ.સ.) નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેળકચ્છ ગામમાં દીપડાના હુમલાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાંજના સમયે ઘરની બહાર નાહી રહેલી 12 વર્ષની બાળકી પર નજીકની ઝાડીમાંથી આવેલા દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. દીકરીને દીપડાના સકંજામાં જોઈ માતાએ હિંમત ન હારતા બૂમાબૂમ કરી અને પાણી રેડીને દીપડાનો સામનો કર્યો હતો. આસપાસના લોકો પણ મદદ માટે દોડી આવતા દીપડો બાળકીને છોડીને જંગલ તરફ ભાગી ગયો હતો. હુમલામાં ઘાયલ થયેલી બાળકીને તાત્કાલિક વાંસદાની કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. દીપડાને પકડવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં પાંચ પાંજરાં ગોઠવવામાં આવ્યાં છે અને રાત્રિ પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે. છેલ્લા બે મહિનામાં વાંસદા વિસ્તારમાં બાળકો પર દીપડાના હુમલાની આ ત્રીજી ઘટના હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. દરમિયાન વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે હોસ્પિટલની મુલાકાત લઈને બાળકી અને તેના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. તેમણે તબીબો પાસેથી બાળકીની તબિયત અંગે જાણકારી મેળવી હતી.

સાંસદે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં દીપડાઓના વધતા જોખમને નિયંત્રિત કરવા વનમંત્રી અર્જુન મોઢવાડિયા અને પ્રવીણ માળી સાથે ચર્ચા કરવામાં આવી છે. પકડાયેલા દીપડાઓને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવા તેમજ ભવિષ્યમાં વાંસદામાં સફારી પાર્ક વિકસાવવાની યોજના પર પણ વિચારણા ચાલી રહી છે.

વન વિભાગે ગ્રામજનોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. સાંજ અને રાત્રિના સમયે બાળકોને એકલા બહાર ન મોકલવા, ઘરની આસપાસ પૂરતી લાઇટ રાખવી અને ખુલ્લી જગ્યાએ નહાવાનું ટાળવું જરૂરી છે. ઘરની આસપાસ માંસાહારી ખોરાકનો કચરો ન નાખવા તેમજ દીપડો દેખાય ત્યારે તેની નજીક જવા કે ફોટા-વીડિયો ઉતારવાનો પ્રયાસ ન કરવા સૂચના આપવામાં આવી છે. દીપડો નજરે પડે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા પણ અપીલ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande