
- પરિક્રમાના અંતિમ દિવસે 645 લોકોની સારવાર
જુનાગઢ 24 નવેમ્બર (હિ.સ.) જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગિરનાર લીલી પરિક્રમામાં પધારેલા શ્રદ્ધાળુઓની આરોગ્ય સુરક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા રૂટથી લઈને ગિરનાર પર્વત સુધી વ્યાપક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. 19 થી 24 નવેમ્બર દરમિયાન આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કુલ 22242 લોકોને આવશ્યક તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતી.
પરિક્રમામાં પધારતા શ્રદ્ધાળુઓની સુવિધા અને આરોગ્યની સુરક્ષાને ધ્યાને રાખીને 19 નવેમ્બરથી જ એમ્બ્યુલન્સ, જીવનરક્ષક દવાઓ સહિતની આરોગ્ય સેવાઓ કાર્યરત કરવામાં આવી હતી. પરિક્રમા રૂટ પર હંગામી દવાખાનાં ઊભાં કરવાની સાથે રાવટીઓમાં પણ મેડિકલ ટીમો તૈનાત રાખવામાં આવી હતી. આ ઉપરાંત ગિરનાર પર્વત પર પણ યાત્રિકોની અવરજવર અને ધસારાને ધ્યાનમાં રાખીને આરોગ્ય સેવાઓની સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી હતી.
પરિક્રમા દરમિયાન આપવામાં આવેલી સારવારમાં 14456 લોકોને શરીરના દુખાવા, 1409 ને તાવ, 4142 ને શરદી, ૨૫૨ને ઝાડા, 218 ને ઊલટી અને 91 ને ઝાડા-ઊલટીની સારવાર આપવામાં આવી હતી. જ્યારે 1523 લોકોને અન્ય જરૂરી તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતી. વધુ સારવારની જરૂરિયાત ધરાવતા 99 દર્દીઓને રીફર કરવામાં આવ્યા હતા.
પરિક્રમાના અંતિમ દિવસે પણ આરોગ્ય વિભાગ દ્વારા 645 જેટલા લોકોને સારવાર આપવામાં આવી હતી. આમ, ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન વહીવટી તંત્ર દ્વારા સુઆયોજિત આયોજન અને સઘન કામગીરી થકી સમગ્ર પરિક્રમા રૂટ પર સતત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ આરોગ્ય સેવાઓને ભાવિકોએ પણ બિરદાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ