
ભાવનગર, 03 નવેમ્બર (હિ.સ.) : આજના સમયમાં વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે પણ પોતાની પ્રતિભા સાબિત કરી રહ્યા છે. સામાન્ય પરિવારમાંથી આવતા અનેક યુવાનો મર્યાદિત સંસાધનો વચ્ચે પણ મહેનત અને દૃઢ મનોબળના આધારે રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચીને સફળતા મેળવી રહ્યા છે. આવી જ પ્રેરણાદાયી સિદ્ધિ ભાવનગરની હેમાંશી પરમારે મેળવી છે. રાષ્ટ્રીય કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને તેણે ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજમાં બી.એ. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હેમાંશીએ તમિલનાડુના ચેન્નાઈ ખાતે યોજાયેલી 41મી જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા ખેલાડીઓ વચ્ચે યોજાયેલી ટ્રિપલ જમ્પ સ્પર્ધામાં તેણે 12.15 મીટરનો કૂદકો લગાવી તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
હેમાંશી સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. તેના પિતા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મર્યાદિત સુવિધાઓ હોવા છતાં હેમાંશીએ રમતગમત ક્ષેત્રે આગળ વધવાનો સંકલ્પ જાળવી રાખ્યો છે. અભ્યાસની સાથે તે દરરોજ બે થી ત્રણ કલાક ટ્રિપલ જમ્પની પ્રેક્ટિસ કરે છે.
કોચ સુનીલભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ હેમાંશીએ સઘન તાલીમ મેળવી પોતાની રમતને વધુ મજબૂત બનાવી છે. સતત મહેનત, નિયમિત અભ્યાસ અને લક્ષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાના પરિણામે તેણે રાષ્ટ્રીય કક્ષાએ આ સિદ્ધિ હાંસલ કરી છે.
હેમાંશીની આ સફળતા અન્ય યુવતીઓ અને રમતવીરો માટે પ્રેરણારૂપ બની છે. તેની આ સિદ્ધિથી પરિવારજનો, કોલેજ પરિવાર અને રમતગમત ક્ષેત્રે આનંદની લાગણી ફેલાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA