
અમદાવાદ,03 નવેમ્બર (હિ.સ.) અમદાવાદના નિકોલ વિસ્તારમાં નશાની હાલતમાં ફોર્ચ્યુનર કાર ચલાવી ફૂટપાથ પર ચડાવનાર ચાલકે તબાહી મચાવી છે. અક્ષર હોસ્પિટલ નજીક રાત્રિના સમયે સર્જાયેલા અકસ્માતમાં પાથરણું ચલાવતા માતા-પુત્રના મોત થયા છે, જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ ફોર્ચ્યુનર કારમાંથી છ બિયરના ટીન પણ મળી આવ્યા હોવાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કાર ચાલક વિરલ ચૌધરીનો બ્લડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેથી તે નશામાં હોવાનું સામે આવ્યું છે. પોલીસે કારચાલક વિરલ ચૌધરી સામે BNS 105 અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી અક્ષર હોસ્પિટલ અને દેવસ્ય સ્કૂલ નજીક 2 નવેમ્બરની રાત્રે આશરે 9.30થી 9.45 વાગ્યાના અરસામાં બેફામ સ્પીડે આવેલી લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારે ફૂટપાથ પર બે મહિલા સહિત ચાર લોકોને અડફેટે લીધા હતાં. કારની જોરદાર ટક્કર બાદ એક યુવક કારના બોનેટ અને દિવાલ વચ્ચે ભીંસાઈ જતા હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા.
કાર પાછળ ખચે તેમ ન હોવાથી હાજર લોકોએ કારને ઊંચકીને યુવકને બહાર કાઢ્યો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓને કારણે ચણિયાચોળી વેચનાર માતા પૂનમ જીતેન્દ્રભાઈ નગવાડિયા અને તેમનાં 15 વર્ષીય પુત્ર સાગર નગવાડિયાના કરુણ મોત નીપજ્યાં છે. જ્યારે ખરીદી કરી રહેલા કાર્તિક વસોયા અને તેમની પત્ની સ્નેહલ વસોયા ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
તપાસમાં કારચાલક નાના ચિલોડામાં રહેતો વિરલ સવજીભાઈ ચૌધરી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સમયે વિરલ દારૂના નશામાં હતો અને કાર ગફલતભરી રીતે હંકારતા સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી અને નિર્દોષ લોકોને કચડી નાખ્યા હતા. મેડિકલ રિપોર્ટમાં પણ વિરલ નશામાં હોવાનું સામે આવ્યું છે અને કારમાંથી 6 બિયરના ટીન પણ મળ્યાં છે.
'આઈ' ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આઈ.સુમરાએ જણાવ્યું કે,
રાત્રે 9.30 વાગ્યાના અરસામાં અક્ષર હોસ્પિટલ સામે ફૂટપાથ પર ફોર્ચ્યુનર ગાડીના ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ દુર્ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી સારવાર દરમિયાન 2 લોકોનાં મોત નીપજ્યાં છે અને અન્ય 2 લોકો હાલ સારવાર હેઠળ છે. મૃતકોમાં પૂનમ જીતેન્દ્રભાઈ નગવાડિયા અને તેમનો 15 વર્ષીય પુત્ર સાગર જીતેન્દ્રભાઈ નગવાડિયા સામેલ છે, જ્યારે કાર્તિકભાઈ અને એક અજાણી સ્ત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. અકસ્માત સર્જનાર કારચાલક વિરલ સવજીભાઈ ચૌધરીની ગાડીમાંથી બિયરનાં ટીન મળી આવ્યાં છે.
ઘટના બાદ એકઠા થયેલા લોકોના ટોળાએ માર મારતાં તેમજ નશાની મેડિકલ તપાસ અર્થે ચાલકને હોસ્પિટલ લઈ જવાયો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-105 (સાપરાધ મનુષ્યવધ) તથા મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ જ ફોર્ચ્યુનર કાર અગાઉ પણ બેફામ દોડતી હોવાનું સરકારી ચોપડે નોંધાયું હતું. 26 ફેબ્રુઆરી, 2026ના રોજ એસ.પી. રિંગ રોડ પર કરાઈ કટ પાસેથી કાર પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા તેને ઓવરસ્પીડિંગનો ઈ-મેમો ફટકારવામાં આવ્યો હતો. આ બેદરકાર ચાલકે આખરે નિર્દોષ લોકોનો જીવ લીધો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ