પશુઓને ઝેરી અસરથી બચાવવા ચારાની ગુણવત્તા અંગે પશુપાલકોએ રાખવી ખાસ કાળજી
ભાવનગર, 03 નવેમ્બર (હિ.સ.) : પશુપાલનના વ્યવસાયમાં પશુઓના આરોગ્ય અને યોગ્ય પોષણનું વિશેષ મહત્ત્વ છે. હાલના સમયમાં અનેક લોકો પશુપાલન થકી સારી આવક મેળવી રહ્યા છે, ત્યારે પશુઓને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ઘાસચારો મળી રહે તે જરૂરી છે. ઘણી વખત બેદરકારીપૂર્
પશુ ફાઇલ ફોટો


ભાવનગર, 03 નવેમ્બર (હિ.સ.) : પશુપાલનના વ્યવસાયમાં પશુઓના આરોગ્ય અને યોગ્ય પોષણનું વિશેષ મહત્ત્વ છે. હાલના સમયમાં અનેક લોકો પશુપાલન થકી સારી આવક મેળવી રહ્યા છે, ત્યારે પશુઓને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ઘાસચારો મળી રહે તે જરૂરી છે. ઘણી વખત બેદરકારીપૂર્વક ચારો ખવડાવવાથી પશુઓમાં ઝેરી અસર થવાની શક્યતા રહે છે. આથી પશુઓને ઝેરી અસરથી બચાવવા પશુપાલકોએ ખોરાક અને ચારાની ગુણવત્તા અંગે ખાસ કાળજી રાખવી જોઈએ.

પશુ ચિકિત્સા અધિકારી ડૉ. રાહુલભાઈના જણાવ્યા અનુસાર, જુવાર સહિતના કેટલાક લીલા ચારામાં પૂરતી વૃદ્ધિ ન થઈ હોય ત્યારે ઝેરી તત્ત્વો હોવાની શક્યતા રહે છે. તેથી જુવાર કે અન્ય ચારા પર ફૂલ આવી જાય અને યોગ્ય વિકાસ થાય ત્યારબાદ જ પશુઓને ખવડાવવો જોઈએ. ખેતરમાં યુરિયા ખાતરનો છંટકાવ કે ઉપયોગ કર્યા બાદ ઓછામાં ઓછા 24 કલાક સુધી તે ચારો પશુઓને આપવો નહીં.

આ ઉપરાંત જુવાર, મકાઈ સહિતના લીલા ચારાની વહેલી કાપણી થઈ હોય અથવા તેમાં ભેજનું પ્રમાણ વધુ હોય તો તેને ચારથી પાંચ દિવસ સુધી યોગ્ય રીતે સુકાવા દેવો જોઈએ. ચારો ખવડાવતા પહેલાં તેમાં રહેલો વધારાનો ભેજ દૂર થયો છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી છે.

ખાસ કરીને બફાઈ ગયેલો, સડી ગયેલો કે ફૂગ લાગેલો ચારો પશુઓને ક્યારેય ખવડાવવો નહીં. લાંબા સમયથી સંગ્રહિત ચારાની ગુણવત્તા પણ તપાસવી જોઈએ. પશુઓના આરોગ્યની જાળવણી માટે પશુપાલકોએ આવી સાવચેતી રાખવી જોઈએ. પશુમાં ઝેરી અસરનાં લક્ષણો જણાય તો સમય ગુમાવ્યા વિના નજીકના પશુ ચિકિત્સકનો સંપર્ક કરવો જોઈએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande