
ભાવનગર, 03 નવેમ્બર (હિ.સ.)દિવાળીનો તહેવાર એટલે પ્રકાશ, આનંદ અને ખુશીઓનો પર્વ. આ તહેવાર દરેક વ્યક્તિના જીવનમાં ખુશીઓ લાવે તેવા હેતુથી અનેક સેવાભાવી સંસ્થાઓ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ આવતી હોય છે. ત્યારે ભાવનગરનું નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 11 વર્ષથી દિવાળીની ઉજવણી સેવાકાર્ય સાથે કરીને સમાજમાં માનવતાની અનોખી મિશાલ પૂરી પાડી રહ્યું છે.
વર્ષ 2015થી દર દિવાળીએ નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના ચહેરા પર મુસ્કાન લાવવાના હેતુથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ સેવાકાર્યના ભાગરૂપે આ વર્ષે રામધરી ગામે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા પરિવારોને વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તહેવારના અવસરે નવા વસ્ત્રો મેળવી પરિવારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
આ સેવાકીય પ્રવૃત્તિ માટે વસ્ત્રદાન નાઇસ સ્કૂલ ભાવનગર, ગણપુલે મહિલા મંડળ સિહોર, સંસ્કૃતિ વિદ્યાલય તથા યુગ યુવા પરિવર્તન સંસ્થા સિહોર દ્વારા કરવામાં આવ્યું હતું. વિવિધ સંસ્થાઓના સહયોગથી જરૂરિયાતમંદ પરિવારો સુધી વસ્ત્રો પહોંચાડવાનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
આ સેવાકાર્યને સફળ બનાવવા નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગરના રણજીતભાઈ ડાભી, સવિતાબેન મકવાણા, ચંપાબેન હેરમા, આશા ફેસ, પ્રદીપસિંહ ઝાલા અને અનિલભાઈ પંડિતે જહેમત ઉઠાવી હતી.
દિવાળીના પર્વે પોતાની ખુશીઓની સાથે જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં પણ આનંદનો પ્રકાશ ફેલાવવાનો આ પ્રયાસ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે. સાચી દિવાળી બીજાના ચહેરા પર સ્મિત લાવવામાં છે તે સંદેશ આ સેવાકાર્ય દ્વારા આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA