ઘોઘા ખાતે 25 નવેમ્બરે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
ભાવનગર, 03 નવેમ્બર (હિ.સ.) : નાગરિકોના સ્થાનિક અને વહીવટી પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ આવે અને લોકોને સરકારી કચેરીઓમાં પડતી મુશ્કેલીઓનો ઉકેલ મળી રહે તે હેતુથી ઘોઘા તાલુકા અને ગ્રામ કક્ષાનો નવેમ્બર-2026નો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 25 નવેમ્બ
Ai ફોટો


ભાવનગર, 03 નવેમ્બર (હિ.સ.) : નાગરિકોના સ્થાનિક અને વહીવટી પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ આવે અને લોકોને સરકારી કચેરીઓમાં પડતી મુશ્કેલીઓનો ઉકેલ મળી રહે તે હેતુથી ઘોઘા તાલુકા અને ગ્રામ કક્ષાનો નવેમ્બર-2026નો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 25 નવેમ્બરના રોજ યોજાશે.

આ કાર્યક્રમ બુધવારે સવારે 10:30 કલાકે ઘોઘા મામલતદાર કચેરી ખાતે પોલીસ અધિક્ષક, ભાવનગરના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. કાર્યક્રમમાં તાલુકા અને ગ્રામ્ય કક્ષાના વિવિધ પ્રશ્નો અંગે અરજદારો પોતાની રજૂઆત કરી શકશે.

ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરવા ઇચ્છતા અરજદારોએ પોતાની અરજી બે નકલમાં કરવાની રહેશે. ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ સંબંધિત ગામના તલાટી કમ મંત્રીને જ્યારે તાલુકા કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ ઘોઘા મામલતદાર કચેરીમાં રજાના દિવસો સિવાય સ્વીકારવામાં આવશે. આ માટે અરજી કરવાની અંતિમ તારીખ 17 નવેમ્બર, 2026 નક્કી કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં સર્વિસ મેટર અને કોર્ટ મેટર સિવાયની બાબતોને લગતી અરજીઓ જ સ્વીકારવામાં આવશે. અરજદારે પોતે રૂબરૂ હાજર રહી પોતાના પ્રશ્ન અંગે આધાર-પુરાવા સાથે રજૂઆત કરવાની રહેશે. એક જ વિષયને લગતી વ્યક્તિગત અરજી સ્વીકારવામાં આવશે, જ્યારે સામૂહિક રજૂઆતો સ્વીકારવામાં આવશે નહીં.

આથી ઘોઘા તાલુકાના નાગરિકોને પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે નિયત સમયમર્યાદામાં જરૂરી આધાર-પુરાવા સાથે અરજી કરવા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande