રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં અકસ્માતમાં જીવ ગુમાવનારાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ, પરિવારોને 2.10 લાખની સહાય
ભાવનગર,03 નવેમ્બર (હિ.સ.) રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં બનેલી બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવતાં શોકની લાગણી ફેલાઈ છે. આ બંને દુઃખદ ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોને મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. સાથે જ મૃતકોના પરિવારજનોને આર્થિક સહ
મોરારી બાપુ ફાઈલ ફોટો


ભાવનગર,03 નવેમ્બર (હિ.સ.) રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં બનેલી બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવતાં શોકની લાગણી ફેલાઈ છે. આ બંને દુઃખદ ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોને મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. સાથે જ મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય અર્પણ કરીને સંવેદના વ્યક્ત કરી છે.

રાજસ્થાનના ઝુંઝુનુ વિસ્તારમાં આવેલા ઉદયપુરવાટી તાલુકાના છાપોલી ગામમાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન સિમેન્ટ મિક્સર અચાનક હાઈટેન્શન વીજ લાઇનને અડી જતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં આઠ શ્રમિકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે છ જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં અવસાન પામેલા શ્રમિકોને મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઉપરાંત દરેક પરિવારને 15 હજાર રૂપિયા લેખે કુલ 1 લાખ 20 હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે.

બીજી તરફ, ઉત્તરપ્રદેશના કુશીનગર વિસ્તારમાં વાન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં છ લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં. આ ઘટનાથી અસરગ્રસ્ત પરિવારોને પણ મોરારિબાપુએ દિલસોજી પાઠવી છે અને દરેક પરિવારને 15 હજાર રૂપિયા લેખે કુલ 90 હજાર રૂપિયાની સહાય અર્પણ કરી છે.

બંને દુર્ઘટનાઓમાં જાહેર કરાયેલી કુલ 2 લાખ 10 હજાર રૂપિયાની સહાય મુંબઈ સ્થિત એક શ્રોતાના માધ્યમથી મુખ્યમંત્રી રાહત ફંડમાં પહોંચાડવામાં આવશે. અંતમાં મોરારિબાપુએ હનુમાનજીનાં ચરણોમાં તમામ દિવંગત આત્માઓના નિર્વાણ માટે પ્રાર્થના કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande