
જૈસલમેર, નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી (હિ.સ.): રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, શુક્રવારે જેસલમેર એરફોર્સ સ્ટેશનથી સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (એલસીએચ) 'પ્રચંડ' ઉડાડ્યું. તેઓ સહ-પાયલટ તરીકે 'પ્રચંડ' ઉડાડનારા, દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા.
રાષ્ટ્રપતિ સવારે લગભગ 9:15 વાગ્યે એરફોર્સ સ્ટેશન પહોંચ્યા, જ્યાં તેમને હેલિકોપ્ટરની તકનીકી ક્ષમતાઓ વિશે માહિતી આપવામાં આવી. ત્યારબાદ તેઓ કોકપીટમાં ચઢ્યા અને ગ્રુપ કેપ્ટન એન.એસ. બહુઆ સાથે લગભગ 10:15 વાગ્યે ઉડાન ભરી. લગભગ 25 મિનિટની ઉડાન દરમિયાન, તેમણે સરહદી વિસ્તારો અને પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જનું હવાઈ સર્વેક્ષણ કર્યું. ઉડાન દરમિયાન તેમણે કોકપીટમાંથી સલામી પણ આપી.
રાષ્ટ્રપતિ મુર્મુ અગાઉ સુખોઈ-30 એમકેઆઈ અને રાફેલ ફાઇટર એરક્રાફ્ટ ઉડાડનારા પ્રથમ રાષ્ટ્રપતિ રહ્યા છે.
જેસલમેરના પ્રખ્યાત જેસલમેર કિલ્લા (સોનાર દુર્ગ) ઉપર ઉડાન ભરતા, રાષ્ટ્રપતિએ રેડિયો દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમણે કહ્યું, હું આજે પ્રચંડ હેલિકોપ્ટરમાં ઉડાન ભરી રહી છું. તે આત્મનિર્ભરતાનું એક શક્તિશાળી પ્રતીક છે. હું આપણા દેશના બહાદુર સૈનિકોનો ગર્વથી આભાર માનું છું. બધાને મારી પ્રેમાળ શુભેચ્છાઓ. જય હિંદ, જય ભારત.
વાયુસેનાનો સૌથી મોટો લશ્કરી અભ્યાસ, વાયુ શક્તિ-2026 શુક્રવારે સાંજે પાકિસ્તાન સરહદ નજીક પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે યોજાશે, જેમાં રાષ્ટ્રપતિ મુર્મુ સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર તરીકે હાજરી આપશે.
ઉલ્લેખનીય છે કે, પ્રચંડ હેલિકોપ્ટરને ત્રણ વર્ષ પહેલા નવરાત્રીના આઠમા દિવસે વાયુસેનાના કાફલામાં સામેલ કરવામાં આવ્યું હતું. તે સમયે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ તેમાં ઉડાન ભરી હતી અને તેને ભારતની આત્મનિર્ભર સંરક્ષણ ક્ષમતાનું પ્રતીક ગણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / ઈશ્વર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ