
નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી (હિ.સ.): ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કેરળ યુવા મોરચાના કાર્યકરોએ, શુક્રવારે દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના નિવાસસ્થાન બહાર કોંગ્રેસ નેતૃત્વના કથિત મૌનનો વિરોધ કરવા માટે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. કેરળના પ્રખ્યાત સબરીમાલા શ્રી ભગવાન સ્વામી શરણમ અયપ્પા મંદિર સાથે સંબંધિત કથિત સોનાની ચોરીના કેસ અંગે આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે, વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું, જેમાં આ મામલાની ઉચ્ચ સ્તરીય, નિષ્પક્ષ અને પારદર્શક તપાસની માંગ કરવામાં આવી. તેમની સાથે ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય મહાસચિવ રોહિત ચહલ અને કેરળ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ મનુ પ્રસાદ સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા હતા.
વિરોધીઓને સંબોધતા અનુરાગ ઠાકુરે કહ્યું કે, મંદિરની મિલકતો લાખો ભક્તોની શ્રદ્ધા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. જો મંદિરના સોનાના આભૂષણો અથવા મિલકતની કોઈ અનિયમિતતા અથવા ચોરી થઈ હોય, તો તે શ્રદ્ધા સાથે વિશ્વાસઘાત છે. તેમણે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ પાર્ટીએ આ ગંભીર બાબત પર સ્પષ્ટ પ્રતિક્રિયા આપી નથી.
ઠાકુરે માંગ કરી હતી કે, આ મામલામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા ઉચ્ચ સ્તરીય, સ્વતંત્ર તપાસ કરવામાં આવે, તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવે અને દોષિતો સામે ઝડપી અને કડક પગલાં લેવામાં આવે. તેમણે મંદિરની મિલકતોના રક્ષણ માટે એક મજબૂત દેખરેખ પ્રણાલી સ્થાપિત કરવાની પણ માંગ કરી.
કેરળ યુવા મોરચાના પ્રમુખ મનુ પ્રસાદે જણાવ્યું હતું કે, આ આંદોલન કોઈ વ્યક્તિ વિરુદ્ધ નથી, પરંતુ શ્રદ્ધા, પારદર્શિતા અને સુશાસનના સમર્થનમાં લોકશાહી પહેલ છે. વિરોધ પ્રદર્શન દરમિયાન, કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા અને ગુનેગારોને કડક સજાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો.
યુવા મોરચાએ ચેતવણી આપી હતી કે, જો પારદર્શક તપાસ નહીં થાય, તો દેશવ્યાપી જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે. વ્યાપક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વિરોધ શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયો.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનુપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ