
મહેસાણા, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના કોઠાસણા ગામે વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 36 વર્ષીય નરસિંહ ભુપસિંહ ચૌહાણ નામના યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
પરિવારજનોના જણાવ્યા અનુસાર વહેલી સવારે આશરે 5:00 વાગ્યાની આસપાસ નરસિંહ ઘરે ન દેખાતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શોધ દરમિયાન તેઓ ગામની સીમ વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. તેમના માથા, કપાળ અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઇજાઓના નિશાન જોવા મળ્યા હતા. તાત્કાલિક સારવાર માટે ખસેડવાના પ્રયાસો છતાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ થતાં સતલાસણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો મેળવી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ માટે લાશને પોસ્ટમોર્ટમ અર્થે સતલાસણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. પોલીસ દ્વારા હત્યાના કારણો અને સંડોવાયેલા શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઘટનાને પગલે ગામમાં શોક અને ચકચારનો માહોલ છવાઈ ગયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR