
જામનગર, 28 ફેબ્રુઆરી (હિ.સ.) :
જામનગર નજીક જોડીયા પંથકમાં તારાણાં ધાર પાસે ગઈકાલે એલસીબીની ટુકડીએ દરોડો પાડી એક કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી અંગે મૂળ જામનગરના અને હાલ રાજકોટમાં રહેતા એક શખ્સને પકડી પાડ્યો છે, અને તેની પાસેથી કાર અને ઈંગ્લિશ દારૂ કબજે કર્યો છે. જેને દારૂ સપ્લાય કરનાર જામનગરના એક શખ્સને ફરાર જાહેર કર્યો છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે મૂળ જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતો અને હાલ રાજકોટ રહેવા માટે ચાલ્યો ગયેલો સુમિત સુનિલભાઈ મંદીયાણી નામના સિંધી લોહાણા યુવાન કે જે જોડીયા પંથકના તારાણાં ધાર વિસ્તારમાં એક કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહ્યો છે, જે બાતમીના આધારે એલસીબીની ટુકડીએ ગઈકાલે મોડી સાંજે જોડિયા પંથકમાં દરોડો પડ્યો હતો.
જે દરમિયાન ઉપરોક્ત શખ્સ કાર લઈને પસાર થતાં પોલીસે તેને આંતરી લઈ, કારની તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન કારની અંદર સંતાડવામાં આવેલી 245 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો માતબર જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે રૂપિયા 97,600 ની કિંમતનો ઇંગ્લિશ દારૂ અને કાર સહિત રૂપિયા 7 લાખની માલમતા કબજે કરી લીધી છે, અને તેની સામે જોડીયા પોલીસ મથકમાં દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસની પૂછપરછ દરમિયાન તેની સાથે દારૂની હેરાફેરીમાં જામનગરનો દરેડ વિસ્તારમાં રહેતો હિરેન ઉર્ફે ભાવેશ રામજીભાઈ ચૌહાણ સંડોવાયેલો હોવાથી હાલ પોતે ભાગી છૂટ્યો છે. જેને પોલીસે ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt