
ભાવનગર, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ માખણીયા ગામે દીપડાએ ગાયનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. ગામના પશુપાલકની ગાય પર દીપડાએ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે પશુપાલકો અને ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે.મળતી માહિતી મુજબ, વહેલી સવારે ખેતર પાસે બાંધેલી ગાય પર દીપડાએ હુમલો કર્યો હતો. ગાયના મારણ thi ગ્રામજનોએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વનવિભાગ દ્વારા દીપડાની હલચલ અંગે આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી છે. ગામ નજીકના ખેતરો અને ઝાડીઓમાં દીપડાના પગલાંના નિશાન પણ મળી આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. વનવિભાગે ગ્રામજનોને સાવચેત રહેવા, રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને પશુઓને સુરક્ષિત જગ્યાએ બાંધવા સૂચના આપી છે.આ ઘટનાથી માખણીયા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં દહેશત ફેલાઈ છે. પશુપાલકોમાં પોતાના પશુધનને લઈ ભયનો માહોલ છે. ગ્રામજનોએ વનવિભાગ પાસે દીપડાને પકડી સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગ કરી છે.હાલ ગ્રામજનોને સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT