

મહેસાણા, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા જિલ્લાના કડી ખાતે સ્થિત ભગવભાઈ પટેલ નર્સિંગ એન્ડ પેરામેડિકલ કોલેજમાં 28 ફેબ્રુઆરી, 2026ના રોજ કૅન્ડલ લાઇટિંગ અને શપથવિધિ સમારોહ ભવ્ય રીતે યોજાયો. કડી સર્વ વિશ્વવિદ્યાલય સંચાલિત આ સંસ્થામાં પ્રથમ વર્ષના 55 જી.એન.એમ., બી.એસસી. નર્સિંગ અને એ.એન.એમ.ના વિદ્યાર્થીઓએ નર્સિંગ ક્ષેત્રમાં સેવા આપવાનો સંકલ્પ લીધો.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલનથી થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ફ્લોરેન્સ નાઈટિંગેલની પ્રતિમા સમક્ષ કૅન્ડલ પ્રગટાવી માનવસેવા, કરુણા અને નૈતિક મૂલ્યોનું પાલન કરવાનો શપથ લીધો. પ્રિન્સિપાલ દ્વારા શપથવિધિ કરાવવામાં આવી અને વિદ્યાર્થીઓને નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરી સમાજસેવામાં યોગદાન આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પ્રસંગે સંસ્થાના દાતા ભગવભાઈ પટેલ, રિધમ હોસ્પિટલના ફાઉન્ડર ડો. અલ્પેશ પ્રજાપતિ તેમજ ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ, અમદાવાદના પ્રિન્સિપાલ ડો. હિરલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ નર્સિંગને પવિત્ર સેવા ગણાવી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમ અંતે આભારવિધિ સાથે સમાપન કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR