
મહેસાણા, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : ઊંઝાની શ્રી વી.એમ. પટેલ પ્રાથમિક શાળામાં 29 ફેબ્રુઆરી, 2026ના રોજ વિદ્યાર્થીઓના પ્રિય બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણના સહકારથી કુલ 10 જેટલા વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. મેળામાં ફૂટડિશ, બેલ, પોપકોર્ન, સેન્ડવિચ, ભુંગળા બટેટા, પાણીપુરી, દાબેલી, લીંબુ શરબત, ચણાચોર તેમજ લકી ડ્રો જેવા સ્ટોલો મુખ્ય આકર્ષણ રહ્યા હતા.
ફૂટડિશ અને દાબેલી માટે કૂપનની કિંમત 20 રૂપિયા રાખવામાં આવી હતી, જ્યારે અન્ય સ્ટોલ માટે 10 રૂપિયાની કૂપન વ્યવસ્થા હતી. લકી ડ્રો માટે 10 રૂપિયામાં 2 કૂપન આપવામાં આવતી હતી. બાળવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કૂપન ખરીદી મેળાનો આનંદ માણ્યો હતો.
બપોરે 12:30 કલાકે શાળાના મંત્રી જતીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ નિરવભાઈ પટેલના હસ્તે મેળાનો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સાંજે 4:00 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓએ મેળાની મુલાકાત લીધી હતી. મેળામાંથી થતો નફો જરૂરિયાતમંદ બાળકોમાં વહેંચવામાં આવશે. સમગ્ર આયોજન શાળાના આચાર્ય અને સ્ટાફના સહયોગથી સફળ રહ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR