

મહેસાણા, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : ઊંઝા શહેરની શ્રી જી. એમ. કન્યા વિદ્યાલય (પ્રાથમિક વિભાગ) ની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકગણ દ્વારા ગાંધીનગર ખાતે સ્થિત ગુજરાત વિધાનસભાની પ્રેરણાદાયી શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓને રાજ્યની લોકશાહી વ્યવસ્થા અને વિધાનસભાની કાર્યપ્રણાલી અંગે પ્રાથમિક જ્ઞાન આપવાનો હતો.
મુલાકાત દરમિયાન વિદ્યાર્થીનીઓને વિધાનસભાના ઇતિહાસ, ધારાસભ્યોની ભૂમિકા તેમજ કાનૂન બનાવવાની પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. સત્ર દરમિયાન માર્ગદર્શકોએ સરળ ભાષામાં સમજાવી રાજ્યમાં કાયદા કેવી રીતે તૈયાર થાય છે અને લોકશાહી પદ્ધતિમાં જનપ્રતિનિધિઓની શું જવાબદારી હોય છે.
વિદ્યાર્થીનીઓમાં ઉત્સાહ અને જિજ્ઞાસા સ્પષ્ટ જોવા મળી હતી. તેઓએ વિવિધ પ્રશ્નો પૂછ્યા અને લોકશાહી પ્રક્રિયા વિશે વધુ જાણવા રસ દર્શાવ્યો. શિક્ષકોએ જણાવ્યું હતું કે આવી શૈક્ષણિક મુલાકાતો વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરે છે અને તેમના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાથે જ ભવિષ્યમાં જવાબદાર અને જાગૃત નાગરિક બનવા માટે પણ આવી મુલાકાતો પ્રેરણાદાયી સાબિત થાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR