


પોરબંદર, 19 માર્ચ (હિ.સ.)ગુજરાત સરકાર દ્વારા શહેરોમાં સાર્વજનિક પરિવહન વ્યવસ્થા મજબૂત બને અને નાગરિકોને સસ્તી, સુરક્ષિત તેમજ સરળ મુસાફરીની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના અમલમાં મુકવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી પોરબંદર શહેર સહિત રાજ્યના વિવિધ મહાનગરપાલિકાઓમાં સીટી બસ સેવા કાર્યરત છે. પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરમાં હાલ સીટી બસ સેવા દ્વારા નાગરિકોને શહેરના વિવિધ વિસ્તારો વચ્ચે સરળ અવરજવર સુલભ બની રહી છે. સીટી બસ સેવા હેઠળ કુલ 13 બસો દ્વારા શહેરના અલગ-અલગ 7 રૂટો પર સેવા આપવામાં આવી રહી છે. આ બસો દ્વારા સુદામા ચોકથી સાંદિપની, છાંયા, રતનપર, આવાસ, ધરમપુર, ખાપટ રામાપીરનો દ્વારો, ઓરિએન્ટ, સુભાષનગર અને ઇન્દિરાનગર સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. સીટી બસ સેવા સંચાલન માટે ગુરુકૃપા ટ્રાવેલ્સ એજન્સીને ઈ-ટેન્ડર પ્રક્રિયા દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. બસ સેવા સંચાલન માટે 50 જેટલા કર્મચારીઓને રોજગારી આપવામાં આવી છે, જેમાં આશરે 25 મહિલાઓનો સમાવેશ થાય છે. દરેક બસ દિવસ દરમિયાન સરેરાશ 10 થી 14 જેટલી ટ્રિપ કરે છે. એક બસમાં દરરોજ આશરે 400 થી 600 જેટલા મુસાફરો મુસાફરી કરે છે. તે મુજબ તમામ 13 બસોમાં મળીને દરરોજ સરેરાશ લગભગ 6 હજાર જેટલા મુસાફરો સીટી બસ સેવાનો લાભ લઈ રહ્યા છે. નાગરિકોને ઓછી કિંમતમાં મુસાફરીની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સરકાર દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. મુસાફરીનું ન્યૂનતમ ભાડું રૂ. 5 રાખવામાં આવ્યું છે, જ્યારે રૂટ મુજબ વધુમાં વધુ રૂ.10 સુધી ભાડું લેવામાં આવે છે. આ સેવા અંતર્ગત દિવ્યાંગજન માટે પાસ સુવિધા,5 વર્ષ સુધીના બાળકોને મફત મુસાફરી, તેમજ રક્ષાબંધનના પવિત્ર તહેવારે બહેનો માટે મફત મુસાફરી જેવી સુવિધાઓ આપવામાં આવે છે. પોરબંદર મહાનગરપાલિકાના ટ્રાન્સપોર્ટ શાખાના જુનિયર ક્લાર્ક રાજાભાઈ જે. જલુના જણાવ્યા મુજબ આ સેવા મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના હેઠળ ચાલી રહી છે. સીટી બસ સંચાલન માટે પ્રતિ કિલોમીટર રૂ.38 ના દરે ચુકવણી કરવામાં આવે છે, જેમાંથી રૂ.22 રાજ્ય સરકાર દ્વારા અને રૂ.16 પોરબંદર મહાનગરપાલિકાના સ્વભંડોળમાંથી ચૂકવવામાં આવે છે. નાગરિકોને સસ્તી અને સુલભ મુસાફરી મળી રહે તે માટે રાજ્ય સરકાર દર મહિને અંદાજે રૂ.30 લાખ જેટલો ખર્ચ કરી રહી છે. ઉપરાંત શહેરના વિસ્તરણને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં વધારાની ૫ નવી બસો શરૂ કરવાની યોજના છે. તાજેતરમાં કુછડી અને ઓડદર સુધી કેટલાક રૂટો લંબાવવામાં આવ્યા છે, જેથી વધુ નાગરિકોને આ સેવાનો લાભ મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya