
ચંદીગઢ, નવી દિલ્હી, 22 માર્ચ (હિ.સ.): પંજાબ વેરહાઉસ ડિસ્ટ્રિક્ટ મેનેજરની આત્મહત્યા પર, શનિવારે અમૃતસરમાં રાતોરાત હોબાળો મચી ગયો. વિવાદ વધતો જોઈને, પંજાબ પોલીસે રવિવારે વહેલી સવારે ભૂતપૂર્વ પરિવહન મંત્રી લાલજીત સિંહ ભુલ્લર, તેમના પિતા અને અંગત સચિવ સામે કેસ નોંધ્યો.
અગાઉ મુખ્યમંત્રી ભગવંત માને, આ મામલે મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. વિરોધ પક્ષો કોંગ્રેસ, અકાલી દળ અને ભાજપે રવિવારે મુખ્યમંત્રી નિવાસસ્થાનનો ઘેરાવ કરવાની જાહેરાત કરી છે.
પંજાબ વેરહાઉસિંગના ડિસ્ટ્રિક્ટ મેનેજર ગગનદીપ સિંહ રંધાવાએ, લાલજીત સિંહ ભુલ્લર પર ઉત્પીડનનો આરોપ લગાવીને આત્મહત્યા કરી હતી. શનિવારે રંધાવાના મૃત્યુ બાદ પંજાબનું રાજકારણ ગરમાયું હતું. અકાલી દળના વડા સુખબીર બાદલ, વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવા અને ભાજપ પ્રમુખ સુનીલ જાખડ અમૃતસર પહોંચ્યા અને સરકાર સામે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી.
વિપક્ષની ધમકી બાદ, સરકારે તાત્કાલિક અસરથી લાલજીત ભુલ્લરનું રાજીનામું સ્વીકારી લીધું. રંધાવાના પરિવાર અને વિપક્ષી પક્ષો લાલજીત ભુલ્લર અને તેમના સાથીઓ સામે કેસ દાખલ કરવાની માંગ પર અડગ રહ્યા. મૃતકના પરિવારે શનિવારે સાંજે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
આ પછી, આજે વહેલી સવારે પંજાબના ભૂતપૂર્વ મંત્રી લાલજીત સિંહ ભુલ્લર, તેમના પિતા સુખદેવ ભુલ્લર અને અંગત સચિવ દિલબાગ સિંહ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ત્રણેય પર ભારતીય દંડ સંહિતાની કલમ 108 (આત્મહત્યા માટે ઉશ્કેરણી), 351(3) (ગુનાહિત ધાકધમકી) અને 3(5) (ગુના માટે ઉશ્કેરણી) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. રંધાવાની પત્ની ઉપિન્દર કૌરની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો હતો.
રંધાવાની પત્નીએ કહ્યું કે, ભુલ્લરે તેને ધમકી આપતા કહ્યું હતું કે, ગુંડાઓ મારા આશ્રયદાતા છે. તમારા પરિવારનો નાશ કરવા માટે એક ઈશારો પૂરતો છે. જો તમે મારા નિયમોનું પાલન ન કરી શકો, તો તમે જીવવાને લાયક નથી; તમારે ઝેર પી લેવું જોઈએ. આ પછી, પતિએ આત્મહત્યા કરી.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ