સંકટ વચ્ચે સુખદ સમાચાર: ‘જગ વસંત’ એલપીજી જહાજ સુરક્ષિત કંડલા પહોંચ્યું, ગેસ સપ્લાય અંગે મોટી રાહત
કચ્છ, 27 માર્ચ (હિ.સ.) : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર ઊભા થયેલા જોખમો વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વૈશ્વિક સ્તરે ઈંધણ સપ્લાયને અસર પહોંચાડી શકે તેવી પરિસ્થિતિ વચ્ચે ‘જગ વસંત’
જગ વસંત


કચ્છ, 27 માર્ચ (હિ.સ.) : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર ઊભા થયેલા જોખમો વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વૈશ્વિક સ્તરે ઈંધણ સપ્લાયને અસર પહોંચાડી શકે તેવી પરિસ્થિતિ વચ્ચે ‘જગ વસંત’ નામનું વિશાળ એલપીજી કાર્ગો જહાજ સુરક્ષિત રીતે ગુજરાતના કંડલા બંદરે પહોંચી ગયું છે. આ ઘટનાને ભારત માટે ઊર્જા સુરક્ષાની દિશામાં મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

જોખમ વચ્ચે સફળ સફર

‘જગ વસંત’ જહાજ લગભગ 42,000 થી 46,000 મેટ્રિક ટન લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) લઈને ભારત તરફ આગળ વધ્યું હતું. હોર્મુઝની ખાડીમાં વધેલા સૈન્ય તણાવ અને સંભવિત હુમલાના જોખમ વચ્ચે આ જહાજનું સુરક્ષિત રીતે ગંતવ્ય સુધી પહોંચવું એ માત્ર ટેક્નિકલ નહીં પરંતુ વ્યૂહાત્મક રીતે પણ મોટી સિદ્ધિ ગણાય છે.

કંડલા બંદરે તેજ ગતીએ કામગીરી

જહાજ કંડલા બંદરે લંગરતાં જ ગેસ ઉતારવાની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી હાથ ધરાઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દરિયામાં જ નાના વહાણોમાં એલપીજી ટ્રાન્સફર કરવાની કામગીરી ઝડપથી શરૂ થશે, જેથી ગેસને વિવિધ બોટલિંગ પ્લાન્ટ્સ સુધી વહેલી તકે પહોંચાડી શકાય.

ઊર્જા સુરક્ષામાં ભારત મજબૂત

મધ્ય-પૂર્વના સંકટ વચ્ચે ભારત સતત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ મજબૂત કરી રહ્યું છે. ‘જગ વસંત’ પહેલા પણ કેટલાક જહાજો સફળતાપૂર્વક દેશમાં પહોંચ્યા છે, જે દર્શાવે છે કે વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ભારત પોતાની સપ્લાય ચેઇનને સ્થિર રાખવામાં સક્ષમ છે.

છેલ્લા થોડા સમયથી એલપીજી તેમજ પેટ્રોલ-ડીઝલની અછત અંગે લોકોમાં ચિંતા અને અફવાઓ ફેલાઈ રહી હતી. આવી સ્થિતિમાં આટલો મોટો જથ્થો દેશમાં પહોંચતા બજારમાં સ્થિરતા આવશે અને લોકોમાં વિશ્વાસ વધશે. સરકાર દ્વારા પણ વારંવાર ખાતરી આપવામાં આવી રહી છે કે દેશમાં પૂરતો ઈંધણ સ્ટોક ઉપલબ્ધ છે.

-વૈશ્વિક સંકટ વચ્ચે સપ્લાય ચાલુ રાખવાની ક્ષમતા દર્શાવે છે

-એલપીજી ની અછત અંગેની અફવાઓને ખંડન કરે છે

-બજારમાં ભાવ અને ઉપલબ્ધતામાં સ્થિરતા લાવવામાં મદદરૂપ

-ભારતની વ્યૂહાત્મક અને રાજદ્વારી ક્ષમતા મજબૂત બનાવે છે

કુલ મળીને, ‘જગ વસંત’ જહાજનું સુરક્ષિત આગમન માત્ર એક કાર્ગો ડિલિવરી નહીં, પરંતુ સંકટના સમયમાં ભારતની શક્તિ, આયોજન અને સ્થિરતાનું પ્રતિબિંબ છે.

હિન્દુસ્થાન સમાચાર

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande