









પરંપરાગત રીતિ-રિવાજ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી મહોત્સવની ધામધૂમથી ઉજવણી
કાર્યક્રમમાં સાંસ્કૃતિક વારસાના જતન સાથે સામાજિક એકતાના દર્શન થયા હતા.
નાના બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી ગાયના છાણમાંથી આકર્ષક ગાદલીઓ બનાવાય
ભરૂચ 03 માર્ચ ( હિ. સ. )
નેત્રંગ તાલુકાના આંજોલી ગામના પટેલ ફળિયામાં યુવા ગ્રુપ અને ગ્રામજનોના સહયોગથી પરંપરાગત રીતિ-રિવાજ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક વારસાના જતન સાથે સામાજિક એકતાના દર્શન થયા હતા.ત્યારબાદ ઘેરૈયાઓએ મંડળી બનાવી ઘરે ઘર ઘેર માંગતા અને નૃત્ય કરતા જોવા મળ્યા હતા.
બાળકો દ્વારા ગાદલી સ્પર્ધા અને સન્માન
ગામના નાના બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી ગાયના છાણમાંથી આકર્ષક ગાદલીઓ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. શિક્ષિત યુવાનો દ્વારા વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાંપ્રથમ ક્રમ અમિત પિયુષ વસાવા (₹501),બીજો ક્રમ સાહિલ રાજેશ વસાવા (₹501) અને ત્રીજો ક્રમ દિવ્યાંગ રણજીત વસાવા (₹501) ઉપરાંત, ભાગ લેનાર તમામ બાળકોને ₹50 રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.
ત્રણ પેઢીનો અનોખો સંગમ:
આ વર્ષની ઉજવણીનું મુખ્ય આકર્ષણ એક જ પરિવારની ત્રણ પેઢીની સહભાગીદારી રહી હતી. દાદા છના વસાવા અને પિતા સુરજી વસાવાએ પુત્ર અજીત વસાવાને પરંપરાગત ઘેરૈયા બનાવી હોળી માતાની આરાધના કરી હતી, જે ગ્રામજનો માટે પ્રેરણાદાયક દ્રશ્ય બની રહ્યું હતું.
વૈદિક વિધિ અનુસાર પૂજન-અર્ચન બાદ હોળી પ્રગટાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં હાજર રહેલા ગ્રામજનોએ ભક્તિમય વાતાવરણમાં ઉત્સવ ઉજવીને સમાજને પરંપરા અને એકતાનો સચોટ સંદેશ આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ