
સુરત, 03 માર્ચ (હિ.સ.) વેસુમાં રહેતા શાહ દંપતિએ થાઈલેન્ડ ફરવા જવા માટે ગુગલ પરથી યશ ટૂર એન્ડ ટ્રાવેલ્સ પ્રા.લીના વેબ પેજ પરથી નંબર મેળવી કોન્ટેક કર્યો હતો. ઠગબાજએ થાઈલેન્ડ ટુરના 1.66 લાખ પડાવી લીધા બાદ તેમનો મોબાઈલ ફોન
ઉપાડવાના બંધ કરી દઈ છેતરપિંડી કરી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વેસુ, મહારાણા પ્રતાપ રોડ, શિલ્પ રેસીડેન્સીમાં રહેતા ભાવીનભાઈ નવીનચંદ્ર શાહ સચીન જીઆઈડીસીની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. ભાવીન અને તેની પત્ની ઉવર્શી થાઈલેન્ડ ફરવા જવા માટે 9 ઓક્ટોબર 2025ના રોજ મોબાઈલમાં ગુગલ પર થાઈલેન્ડ ટુર માટે સર્ચ કરતા યશ ટૂર એન્ડ ટ્રાવેલ્સ પ્રા.લીનો વેબ પેજ ઓપન કરી તેમાં આપેલ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી થાઈલેન્ડની વાતચીત કરતા ટુર ટીકીટ, હોટલ બુકિંગ અને થાઈબાટ વગેરે મળી કુલ રૂપિયા 1,66,500 કીધા હતા. જે તમામ પૈસા ભાવીનભાઈએ ગુગલ પે મારફતે ટ્રાન્સફર કર્યા હતા.
ઠગબાજે ભાવીનને તેનો એન્જટ બે કલાકમાં 25 હજાર બાથ આપી જશે હોવાનું કહ્યું હતું પરંતુ કોઈ આવ્યું ન હતું અને ફલાઈટની ઈન્કવાયરી કરતા ખબર પડી કે તેમની ટીકીટ કેન્સલ થઈ છે. જેથી ભાવીનભાઈએ ફોન કરતા તેઓએ પૈસા પરત આપી દેવાનું કહ્યા બાદ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. ભાવીનભાઈને ખ્યાલ આવી ગયો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. જેથી તેઓએ ગતરોજ આ મામલે ફરિયાદ નોધાવત વેસુ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે