
ગાંધીનગર, 05 માર્ચ (હિ.સ.) : આજરોજ મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને ‘કેચ ધ રેન’ અભિયાન અંતર્ગત જળ સંચયના આયોજન માટે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મહાનગરપાલિકાના અધિકારીઓ સહિત GIDC એશોસિએશન, TCS, ક્રેડાઈ અને ગોહેડના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત PDPU, NIFT, GNLU જેવી શૈક્ષણિક સંસ્થાઓ, શાસનાધિકારી, વિવિધ શાળાઓના આચાર્યો અને NGO ના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી. બેઠક દરમિયાન આગામી ચોમાસામાં વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા માટે તમામ સંસ્થાઓના સહયોગથી ‘રેઈન વોટર હાર્વેસ્ટિંગ’ સિસ્ટમનો વ્યાપ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કમિશનરએ શહેરને જળ-આત્મનિર્ભર બનાવવા માટે શિક્ષણ જગત અને ઉદ્યોગ જગતને સાથે મળીને કામ કરવા અપીલ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ