ગાંધીનગરમાં કરુણ ઘટના: નભોઈ કેનાલમાં ઝંપલાવી બે યુવતીઓએ સામૂહિક આપઘાત કર્યો
ગાંધીનગર, 07 માર્ચ (હિ.સ.) : શહેરના નભોઈ કેનાલ વિસ્તારમાં ગત રાત્રે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)માં ફરજ બજાવતી બે યુવતીઓએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવીને સામૂહિક આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્
ગાંધીનગરના નભોઈ કેનાલ


ગાંધીનગર, 07 માર્ચ (હિ.સ.) : શહેરના નભોઈ કેનાલ વિસ્તારમાં ગત રાત્રે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)માં ફરજ બજાવતી બે યુવતીઓએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવીને સામૂહિક આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મળતી માહિતી મુજબ મૃતક યુવતીઓની ઓળખ સેજલ જશવંતભાઈ પટેલ અને રિપલ રાકેશભાઈ રાવત તરીકે થઈ છે. બંને યુવતીઓ ગઈકાલે રાત્રે ગાંધીનગરના નભોઈ કેનાલ વિસ્તારમાં પહોંચી હતી. કહેવાય છે કે કેનાલમાં ઝંપલાવતાં પહેલાં બંનેએ પોતાના પરિવારજનોને ફોન કરીને આપઘાત કરવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું. આ અચાનક ફોન મળતા પરિવારજનો ગભરાઈ ગયા હતા અને તરત જ સ્થળ પર પહોંચીને પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ અડાલજ પોલીસ અને ગાંધીનગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સાથે સાથે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે પણ કેનાલમાં શોધખોળ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પાણીનો પ્રવાહ વધુ હોવાથી બંને યુવતીઓ વહેતા પાણીમાં તણાઈ ગઈ હતી. લાંબા સમય સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ બંને યુવતીઓના મૃતદેહ ઝુંડાલ કેનાલ નજીકથી મળી આવ્યા હતા.

પોલીસે બંને મૃતદેહોને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે અને સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે.

માહિતી મુજબ બંને યુવતીઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સાથે નોકરી કરતી હતી અને તેમની વચ્ચે ગાઢ મિત્રતા પણ હતી. જોકે બંનેએ આવું આત્યંતિક પગલું કેમ ભર્યું તે અંગે હજુ સુધી સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. નોકરીનું દબાણ, વ્યક્તિગત સમસ્યાઓ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

આ ઘટનાથી બંને યુવતીઓના પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સાથે સાથે GMCના કર્મચારીઓમાં પણ આ ઘટનાને લઈને ભારે શોકની લાગણી વ્યાપી છે. હાલ અડાલજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande