
પાટણ, 05 માર્ચ (હિ.સ.)પાટણની શ્રીમતી એમ.કે. વ્યાસ અને શ્રીમતી વાય.આર. સાંડેસરા બહેરા-મૂંગા શાળામાં વિશ્વ શ્રવણ દિવસ નિમિત્તે બાળકો દ્વારા ઓર્ગેનિક રંગોથી હોળીની ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય ઘેમરભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં સ્પેશિયલ શિક્ષક વર્ષાબેન જોષીએ હોળી-ધુળેટી તહેવારનું સામાજિક અને ધાર્મિક મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ બધિર બાળકોએ એકબીજાને ઓર્ગેનિક રંગો લગાવી નાચગાન સાથે આનંદભેર ઉજવણી કરી અને ધાણી-ખજૂરનો સ્વાદ માણ્યો હતો. શિક્ષકો પણ બાળકો સાથે જોડાઈ હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ અવસરે વિશ્વ શ્રવણ દિવસને ધ્યાનમાં રાખી આચાર્ય દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં કાનની સંભાળ, અવાજ પ્રદૂષણથી બચાવ, વહેલા નિદાનનું મહત્વ તથા હેડફોન-ઇયરબડ્સનો અતિરેક ઉપયોગ ટાળવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ