સુરતના પાંડેસરામાં નકલી પનીર બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 28.44 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરત, 05 માર્ચ (હિ.સ.) : સુરત શહેરમાં S.O.G. અને મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને પાંડેસરા વિસ્તારમાં ચાલતી નકલી પનીર બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન પોલીસે 1401 કિલો શંકાસ્પદ પનીર તેમજ મશીનરી સહિત ક
પાંડેસરામાં નકલી પનીર બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ


સુરત, 05 માર્ચ (હિ.સ.) : સુરત શહેરમાં S.O.G. અને મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને પાંડેસરા વિસ્તારમાં ચાલતી નકલી પનીર બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન પોલીસે 1401 કિલો શંકાસ્પદ પનીર તેમજ મશીનરી સહિત કુલ રૂ. 28,44,170નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તહેવારોના સમયે આટલી મોટી માત્રામાં બિનઆરોગ્યપ્રદ પનીર મળી આવતાં ચકચાર મચી ગઈ છે.

પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે S.O.G.ની ટીમે ફૂડ સેફ્ટી ઓફિસર જે.એસ. દેસાઈ અને ટી.એસ. પટેલ સાથે મળી પાંડેસરાની ભીડભંજન સોસાયટીમાં ગાળા નંબર-278 પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન અહીં મોટા પાયે બિન-બ્રાન્ડેડ લૂઝ પનીર બનાવાતું હોવાનો ભાંડો ફૂટ્યો હતો.

દરોડા દરમિયાન સ્થળ પરથી 1401 કિલો શંકાસ્પદ પનીર (કિંમત આશરે રૂ. 3,08,220) મળી આવ્યું હતું. ઉપરાંત પનીર બનાવવામાં ઉપયોગ થતી પેશ્ચરાઈઝ મશીન, હોમોનાઈઝર અને સ્ટોરેજ પ્લાન્ટ જેવી મશીનરી પણ જપ્ત કરવામાં આવી, જેની કિંમત અંદાજે રૂ. 25 લાખ ગણાય છે. સ્થળ પરથી પામોલીન તેલના 28 ખાલી અને 16 ભરેલા ડબ્બા તેમજ એસિટિક એસિડના કેન પણ મળી આવ્યા હતા.

પોલીસે કારખાનાના સંચાલક મહેશકુમાર પૂર્ણાશંકર શર્મા (ઉંમર 40)ને ઝડપી પાડ્યો છે. મહેશકુમાર મૂળ રાજસ્થાનના ઉદયપુરનો રહેવાસી છે અને હાલમાં અલથાણ વિસ્તારમાં રહે છે. પૂછપરછ દરમિયાન ખુલ્યું કે તે છેલ્લા બે વર્ષથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતો હતો અને દરરોજ અંદાજે 400 કિલો પનીર બનાવી શહેરની વિવિધ ડેરીઓમાં જથ્થાબંધ તથા છૂટક વેચાણ કરતો હતો.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપી “NON BRAND LOOS ANALOGUE PANEER” નામના સ્ટીકર લગાવીને પનીર વેચતો હતો. સ્થળ પરથી આવા 3000 સ્ટીકરો અને આશરે 1000 પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત કરવામાં આવી છે. આ પનીર તે રૂ. 220 પ્રતિ કિલોના ભાવે વેચતો હતો, જેના કારણે ઓછા ભાવના કારણે લોકો સરળતાથી છેતરાઈ જતા હતા.

ફૂડ સેફ્ટી વિભાગે સ્થળ પરથી પનીરના નમૂનાઓ લઈને તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. હાલ સમગ્ર જથ્થો સીલ કરવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ લેબોરેટરી રિપોર્ટમાં પનીર આરોગ્ય માટે હાનિકારક સાબિત થશે તો સંચાલક સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande