
ગાંધીનગર, 05 માર્ચ (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના સેક્ટર-16 વિસ્તારમાં આવેલી સરકારી માઈક્રોશોપિંગ મિલકતોના લાંબા સમયથી બાકી રહેલા ભાડાની વસૂલાત માટે આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે. તંત્ર દ્વારા કુલ 40 જેટલા ભાડૂઆતોને ₹28.50 લાખની રકમના બાકી ભાડા સત્વરે જમા કરાવવા અંગે સત્તાવાર નોટિસ ફટકારવામાં આવી છે. નિર્ધારિત સમયમર્યાદામાં લેણાંની ચુકવણી ન કરનાર ભાડૂઆતોની મિલકતો સીલ કરવાની ચીમકી પણ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે.
ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકની સેક્ટર-16ની માઈક્રોશોપિંગની મિલકતોમાં અનેક ભાડૂઆતો દ્વારા લાંબા સમયથી ભાડાની રકમ ચૂકવવામાં આવતી નહોતી. એસ્ટેટ શાખાના નિરીક્ષણ દરમિયાન બહાર આવ્યું હતું કે કુલ 40 જેટલા એકમોનું મળીને કુલ ₹28,50,000 જેટલું ભાડું બાકી નીકળે છે. સરકારી મહેસૂલની વસૂલાત અર્થે મ્યુનિસિપલ કમિશનરશ્રીની સૂચના મુજબ આજે આ તમામ કસૂરવારો વિરુદ્ધ નોટિસની બજવણી કરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ નોટિસ મળ્યા બાદ જો ભાડૂઆતો દ્વારા બાકી નીકળતી રકમની ભરપાઈ કરવામાં આળસ કે વિલંબ કરવામાં આવશે, તો તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વગર સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ