
ગીર સોમનાથ 05 માર્ચ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં રક્તપિત્ત (લેપ્રસી) મુક્ત જિલ્લો બનાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ લેપ્રસી અવેરનેસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
આ અભિયાન દરમિયાન જિલ્લાના ૩૨૧ ગામોમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભાઓમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગ્રામજનોને રક્તપિત્ત રોગના લક્ષણો, સારવાર અને નિવારણ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે રોગ અંગેની ગેરસમજ દૂર કરવા, સમયસર તપાસ અને સારવાર માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
જિલ્લાની RBSK ટીમ દ્વારા જિલ્લાના ૩૧ માધ્યમિક શાળાઓમાં IEC (Information, Education and Communication) પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી અને પ્રોત્સાહન રૂપે ઇનામ આપી વિદ્યાર્થીઓને રક્તપિત્ત અંગે જાગૃતિ સાથે જ આરોગ્ય ટીમ દ્વારા વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી.
આ સમગ્ર અભિયાનનો મુખ્ય હેતુ રક્તપિત્ત રોગ અંગે જનજાગૃતિ વધારવી, વહેલી તકે દર્દીઓની ઓળખ કરી યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવી અને જિલ્લામાંથી રક્તપિત્ત રોગનો સંપૂર્ણ નાશ કરવો છે.
જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તમામ આરોગ્ય કર્મચારીઓ, ગ્રામજનો અને શાળા સ્ટાફનો સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તથા આગામી સમયમાં પણ આવા જનજાગૃતિ કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે. તેમ જિલ્લા રક્તપિત અધિકારી ડો. શીતલ રામે જણાવ્યું હતું
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ