
ગાંધીનગર, 05 માર્ચ (હિ.સ.) : કેન્દ્રીય ગૃહમંત્રીના વિઝન અનુસાર ગાંધીનગર શહેરના આયોજનબદ્ધ અને પર્યાવરણલક્ષી વિકાસ માટે એસ્ટેટ વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં તળાવના વિકાસ માટે અનામત રાખવામાં આવેલી જમીનો પર થયેલા અનધિકૃત દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વિવિધ વિસ્તારોમાં નોટિસની બજવણી શહેરના રાંધેજા, કોલવડા, પેથાપુર અને વાવોલ જેવા વિસ્તારોમાં તળાવ માટે ફાળવવામાં આવેલા સર્વે નંબરોમાં થયેલ અતિક્રમણોને ધ્યાનમાં રાખીને સંબંધિત પક્ષોને નોટિસો જારી કરવામાં આવી છે. આ નોટિસો પ્રાથમિક પ્રક્રિયાના ભાગરૂપે આપવામાં આવી છે, જેથી જાહેર હિત માટે અનામત રાખેલી જમીનનો ઉપયોગ નિર્ધારિત હેતુ માટે જ થઈ શકે.
તળાવ વિકાસનું મહત્વ તળાવોનો વિકાસ એ માત્ર સૌંદર્યીકરણનો વિષય નથી, પરંતુ શહેરના લાંબા ગાળાના પર્યાવરણીય સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે:
જળ સ્તરની જાળવણી: જમીન નીચેના પાણીના સ્તરને ટકાવી રાખવા.
પર્યાવરણ સંરક્ષણ: સ્થાનિક પરિતંત્ર (Ecosystem) નું જતન કરવું.
જીવનોપાર્જન: સ્થાનિક લોકોના રોજગાર અને પર્યાવરણને પૂરક સહારો પૂરો પાડવો.
કડક અમલીકરણની દિશામાં પગલાં એસ્ટેટ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તળાવ વિસ્તારને અતિક્રમણમુક્ત બનાવી તેના સંરક્ષણ અને વિકાસના હેતુઓને સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવશે. નોટિસ મેળવનાર તમામ પક્ષોએ નિર્ધારિત સમયમર્યાદામાં પોતાનો જવાબ રજૂ કરવાનો રહેશે. જો સમયમર્યાદામાં સંતોષકારક જવાબ કે સહકાર નહીં મળે, તો વહીવટી તંત્ર દ્વારા નિયમાનુસારની કડક કાર્યવાહી હાથ ધરી દબાણો દૂર કરવામાં આવશે.
ગાંધીનગરના આયોજનબદ્ધ વિકાસમાં સહકાર આપવા અને અનધિકૃત બાંધકામો અટકાવવા એસ્ટેટ વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ