

પાટણ, 05 માર્ચ (હિ.સ.)પાટણના જૂનાગંજ બજારમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં પ્રતિબંધિત સમયે જ વાહનો પ્રવેશતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી ભારે વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં નંદાપરાની ખડકી પાસે હોલસેલ વેપારીઓની દુકાનો બહાર માલસામાન ઉતારવા અને ભરવા માટે વાહનો ઉભા રાખવામાં આવ્યા હતા.
આ કારણે મુખ્ય માર્ગ સંપૂર્ણપણે અવરોધિત થઈ ગયો હતો અને રાહદારીઓ તેમજ અન્ય વાહનચાલકો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પોલીસ અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે આ પ્રતિબંધ લાગુ કરવાનો નિર્ણય લેવાયો હતો. છતાં નિયમોનું ઉલ્લંઘન થતા સ્થાનિક લોકોએ પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ