
જુનાગઢ, 5 માર્ચ (હિ.સ.) માણાવદર તાલુકાના ચીખલોદ્રા ગામે આત્મા પ્રોજેક્ટ - જૂનાગઢ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ વિષયક એક દિવસીય તાલીમ યોજાઈ હતી.
આ તાલીમના માધ્યમથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ જમીનનું આરોગ્ય સુધારવા અને ખેતી ખર્ચમાં ઘટાડો કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા સંદર્ભે પણ ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ તકે તજજ્ઞ ડો. હાર્દિક લાખાણીએ પ્રાકૃતિક કૃષિના પાયાના પાંચ આધારસ્તંભો - જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, વાપસા અને મલ્ચિંગ વિશે ખેડૂતોને ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને કીટનાશકોના અતિરેક ઉપયોગથી જમીનનું પોષણ મૂલ્ય અને જીવંતતા જોખમાય છે, સાથે જ ઉત્પાદન ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થાય છે. તેમણે પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારવા અને જમીનની પાણી ધારણ કરવાની ક્ષમતામાં સુધારો કરી ખેડૂતોને સ્વાવલંબી બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં નિવૃત્ત નાયબ ખેતી નિયામક શ્રી કટારિયાએ પોતાના વર્ષોના અનુભવના આધારે ઉપસ્થિત ખેડૂતોને પર્યાવરણમિત્ર અને ઓછા ખર્ચવાળી ખેતી પદ્ધતિના ફાયદા સમજાવ્યા હતા. તેમણે ખેડૂતોને ખેતીમાં પ્રાકૃતિક અભિગમ અપનાવી ટકાઉ વિકાસ સાધવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ખેડૂતો માટે પ્રશ્નોત્તરી સત્ર પણ યોજાયું હતું, જેમાં ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની શંકાઓનું નિરાકરણ મેળવ્યું હતું.
આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર દીપક રાઠોડના માર્ગદર્શન હેઠળ આયોજિત આ તાલીમને સફળ બનાવવામાં શ્રી દિપેન વાચાણી અને હિરલ બોખતારિયા દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો માટે આ તાલીમ કાર્યક્રમ પ્રેરણારૂપ સાબિત થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ