
જૂનાગઢ 5 માર્ચ (હિ.સ.) : જૂનાગઢ એસ.ટી. વિભાગ હેઠળ ફરજ બજાવતા ડ્રાઇવરો દ્વારા કરવામાં આવેલી ગંભીર બેદરકારી અને ગેરવર્તણૂકના કિસ્સાઓને ગંભીરતાથી લઈને વિભાગીય નિયામક દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફરજ દરમિયાન મોબાઈલનો ઉપયોગ અને અધિકારીઓ સાથે ગેરવર્તુણક બદલ બે ડ્રાઇવરોને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી તેમની બદલી કરવામાં આવી છે.
જૂનાગઢ ડેપોના ડ્રાઇવર દિલીપ આર. કોટીલા (બેજ નંબર ૪૯૮) ફરજ પર હતા ત્યારે મોબાઈલ ફોનમાં વાતચીત કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ગંભીર બેદરકારી બદલ તેમને સસ્પેન્ડ કરી તેમની ફરજ જૂનાગઢથી પોરબંદર ડેપો ખાતે મૂકવામાં આવ્યાં છે. આ ઉપરાંત તેમની સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવશે.
તે જ રીતે, વેરાવળ ડેપોના ડ્રાઇવર રાજેશ જે. નિમાવત (બેજ નંબર ૧૭૪૨૭) સામે ડેપો મેનેજર સાથે ગેરવર્તણૂક કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. તેમને પણ સસ્પેન્ડ કરીને વેરાવળથી ઉપલેટા ડેપો ખાતે મૂકવામાં આવ્યા છે અને તેમની સામે પણ ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
એસટી તંત્રના અધિકારી, સુપરવાઇઝર કે કર્મચારીની કોઈપણ પ્રકારની અનિયમિતતા કે બેદરકારી જરાપણ ચલાવી લેવામાં આવશે નહીં. નિગમના તમામ કર્મચારીઓએ નિયમોનું પાલન કરી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવાની રહેશે. મુસાફરોની સલામતી એ નિગમની પ્રાથમિકતા છે અને તેની સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. તેમ જૂનાગઢ એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક વી.બી. ડાંગરની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ