

મહેસાણા, 05 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લાના આખજ ગામ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની નિયામકશ્રી આયુષ કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખેરવા અને શ્રી નવનયુવક પ્રગતિ મંડળ આખજના સંયુક્ત ઉપક્રમે શ્રી આર.જે. પટેલ વિનય વિદ્યાવિહાર ખાતે આયુષ મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ મેળામાં આશરે 689 જેટલા લાભાર્થીઓ ઉપસ્થિત રહી આયુષ પ્રદર્શની અને આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ આરોગ્ય તપાસ અને સારવાર સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં હોમિયોપેથી પદ્ધતિથી 199 દર્દીઓનું નિઃશુલ્ક નિદાન અને સારવાર, 77 લાભાર્થીઓને આયુર્વેદિક ઉકાળો, 104 લોકોને ડાયાબિટીસ તપાસ તેમજ 79 લાભાર્થીઓને અગ્નિકર્મ ચિકિત્સા દ્વારા સારવાર આપવામાં આવી હતી.
મેળા દરમિયાન ગ્રામજનોને આયુર્વેદિક પરામર્શ, ઔષધ વિતરણ તેમજ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ વોલ્યુન્ટરી બ્લડ બેન્ક, મહેસાણાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વૈદ્ય રામ શુક્લ દ્વારા આયુષ વિભાગની આરોગ્યલક્ષી યોજનાઓ અને આયુર્વેદિક સારવાર પદ્ધતિ અંગે માહિતી આપવામાં આવી હતી, જ્યારે ડૉ. આશિષ વી. સમ્રાટે હોમિયોપેથી સારવાર અને સ્વસ્થ જીવનશૈલીમાં આયુષના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં સામાજિક કાર્યકર રાકેશભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામ્ય આરોગ્ય જાગૃતિ માટે આયુષ પદ્ધતિના પ્રસારનું મહત્વ વ્યક્ત કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR