

પાટણ, 05 માર્ચ (હિ.સ.) : પાટણના ડિવાઈન મર્સી સ્ટડી સેન્ટર ખાતે જિલ્લા સામાજિક ન્યાય નિધિ અંતર્ગત આયોજિત સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમ દરમિયાન હોબાળો મચ્યો હતો. મશીનનું વિતરણ ન થતાં લાભાર્થીઓમાં રોષ ફેલાયો હતો.
પાટણ-ઊંઝા હાઇવે પર ઓક્સફર્ડ સ્કૂલ પાસે આવેલા સેન્ટરમાં જિલ્લા પંચાયતની સમાજ કલ્યાણ શાખા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. તેમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નિકિતાબેન પરમાર સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
લાભાર્થીઓના જણાવ્યા મુજબ, સ્વાગત વિધિ પૂર્ણ થયા બાદ અધિકારીઓએ કોઈપણ સિલાઈ મશીનનું વિતરણ કર્યા વગર જ સ્થળ છોડ્યું. જેના કારણે મશીન લેવા આવેલા લોકોમાં નારાજગી જોવા મળી હતી.
મશીન ન મળતા લાભાર્થીઓ ડિવાઈન મર્સી સ્ટડી સેન્ટર ખાતે જ બેસી રહ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ તંત્ર સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
આ મામલે નિકિતાબેન પરમારે જણાવ્યું હતું કે કાર્યક્રમ દરમિયાન અચાનક તેને મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હતો. કેટલાક સભ્યો દ્વારા ડીડીઓને વાંધા અરજી આપવામાં આવતા ફોન પર સૂચના મળ્યા બાદ કાર્યક્રમ રોકવામાં આવ્યો હતો.
તેમણે વધુમાં કહ્યું કે હાલ 112 લાભાર્થીઓને સિલાઈ મશીન આપવાનું આયોજન હતું અને તમામને ન્યાય મળે તે માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ આ મુદ્દે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરનો સંપર્ક કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ